નવી દિલ્હીઃ ભારતની ૧૭ બેંકોના રૂપિયા ૯,૦૦૦ કરોડનું ફુલેકું ફેરવીને બ્રિટન ચાલ્યા ગયેલા લિકર બેરોન વિજય માલ્યાએ આખરે પોતાનાં માથા પર રહેલું દેવું ચૂકવવાની તૈયારી દર્શાવી છે. માલ્યાના વકીલે બુધવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો કે, એસબીઆઈ સહિતની ૧૭ બેંકોનાં લેણા પેટે વિજય માલ્યા સપ્ટેમ્બર ૨૦૧૬ સુધીમાં રૂપિયા ૪,૦૦૦ કરોડ ચૂકવવા તૈયાર છે. માલ્યા અને કિંગફિશર ઉપરાંત યુનાઇટેડ બ્રુઅરીઝ (હોલ્ડિંગ) અને કિંગફિશર ફિનવેસ્ટ (ઇન્ડિયા) લિ. દ્વારા પણ પ્રસ્તાવ રજૂ કરાયો હતો.
માલ્યાએ તેમના વકીલ સી. એસ. વિદ્યાનાથનનાં માધ્યમથી સુપ્રીમ કોર્ટ સમક્ષ આપેલા પ્રસ્તાવમાં જણાવ્યું છે કે તે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૬ સુધીમાં રૂપિયા ૪,૦૦૦ કરોડની ચુકવણી કરી દેશે. જવાબમાં સુપ્રીમ કોર્ટે બેંકોની ઇચ્છા જાણવા માગી હતી. સુપ્રીમ કોર્ટે બેંકોને માલ્યાના પ્રસ્તાવ પર એક સપ્તાહમાં જવાબ આપવાનો નિર્દેશ આપી કેસની સુનાવણી ૭ એપ્રિલ પર મુલતવી રાખી હતી.
વિજય માલ્યાએ સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કહી દીધું છે તે ભારત પરત આવવા ઇચ્છતા નથી. સુપ્રીમે તેમના વકીલને માલ્યાનાં ઠેકાણાં અંગે સવાલ કર્યો હતો. વિદ્યાનાથને જવાબમાં જણાવ્યું હતું કે, કોર્ટની કાર્યવાહીમાં માલ્યાની વ્યક્તિગત હાજરી જરૂરી નથી. મારા અસીલ વિરુદ્ધ મીડિયાએ સર્જેલા ઉહાપોહને કારણે તેઓ સ્વદેશ પરત ફરવા ઇચ્છતા નથી.
કોર્ટે માલ્યાને ઝાટક્યા
વિજય માલ્યાના વકીલે આરોપ મૂક્યો હતો કે મીડિયાએ માલ્યા વિરુદ્ધ વાતાવરણ સર્જ્યું છે. જવાબમાં જસ્ટિસ કુરિયને જણાવ્યું હતું કે, મીડિયા જાહેર હિત માટે કામ કરી રહ્યું છે. મીડિયા ઇચ્છે છે કે બેંકોનાં નાણાં પરત આવે.
દેવાળિયા હોવાની કબૂલાત
બેંકો માલ્યાના પ્રસ્તાવને પોતાનો પ્રથમ વિજય માની રહી છે, કારણ કે માલ્યા એ સ્વીકારવા તૈયાર નહોતા કે બેંકો પાસેથી લીધેલાં ધિરાણ માટે તેમની કોઈ ફરજ બને છે. માલ્યા અત્યાર સુધી એવી દલીલ કરતા હતા કે, મારી કંપની ડિફોલ્ટ થઈ છે, હું નહીં.
મને ભાંડો, પણ દીકરાને કંઇ ન કહો
વિજય માલ્યાએ જણાવ્યું હતું કે, આ વિવાદમાં મારા દીકરાને લક્ષ્યાંક ન બનાવો. તેની મારા બિઝનેસમાં કોઈ ભાગીદારી નથી. મારી કરવી હોય તેટલી નિંદા કરો.
બેંકો આ કારણસર માલ્યાની ઓફર ફગાવી શકે છે...
• દેવું નહીં ચૂકવવા માટેના તમામ બહાના પૂરા થયા બાદ વિજય માલ્યા વિદેશ નાસી ગયા છે
• વિજય માલ્યા ભૂતકાળમાં પણ બેંકોને દેવું ચૂકવવામાં ઠાગાઠૈયા કરીને મામલો ટેકનિકલ કારણોસર અદાલતોમાં ઘસડી ગયા છે
• માલ્યાને સેટલમેન્ટની પરવાનગી અપાય તો અન્ય ડિફોલ્ટરો પણ તેમના માર્ગે ચાલવા લાગે તેવી આશંકા છે
• ૪ વર્ષમાં જે ચૂકવણી નથી કરી તે માલ્યા ૬ મહિનામાં કરશે તેની કોઇ ખાતરી નથી
• માલ્યા અને કિંગફિશર પર આર્થિક છેતરપિંડી, ફંડ ડાયવર્ઝન અને વિલફુલ ડિફોલ્ટના આરોપો પણ છે
• વન ટાઇમ સેટલમેન્ટ એટલે જનતાના નાણા ઓળવી જનારને માફ કરી દેવો.