મુંબઇઃ આર્થિક કટોકટીમાં ઘેરાયેલા વિજય માલ્યાના હાથમાંથી હવે આઇપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) પણ સરી જાય તેવા સંજોગો આકાર લઇ રહ્યા છે. જેએસડબલ્યુ ગ્રૂપના માલિક સજ્જન જિંદાલ આશરે ૧૦ કરોડ ડોલર (રૂ. ૬૩૪ કરોડ)માં આરસીબીને ખરીદવા માટે ડિયાજિયો સાથે વાટાઘાટ ચલાવી રહ્યા છે.
જિંદાલના પુત્ર અને જેએસડબલ્યુ સ્પોર્ટસની ફૂટબોલ ટીમ બેંગ્લૂરુ એફસીના સીઈઓ પાર્થ જિંદાલે વર્ષના પ્રારંભે આરસીબીને ખરીદવામાં રસ દર્શાવ્યો હતો તે ઉલ્લેખનીય છે. આરસીબી અત્યાર સુધીમાં એક પણ આઇપીએલ ચેમ્પિયન બની નથી આમ છતાં તે બહોળો ચાહક વર્ગ ધરાવે છે કેમ કે ટીમમાં વિરાટ કોહલી, ક્રિસ ગેઈલ અને એબી ડિ વિલિયર્સ જેવા દિગ્ગજ ખેલાડીઓ છે.
‘ઇકોનોમિક ટાઇમ્સ’ના અહેવાલ અનુસાર, એકાઉન્ટ્સની ચકાસણી લાંબા સમયથી ચાલુ છે, પણ જેએસડબ્લ્યુ આઈપીએલ સિઝન પૂરી થવાની રાહ જોતી હતી. વિજય માલ્યા આઈપીએલ ટીમ વેચવા ઈચ્છુક નથી, પરંતુ ડિયાજિયો તેમને એવું કરવાની ફરજ પાડી રહી છે.
આરસીબી યુનાઈટેડ સ્પિરિટ્સની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી છે, જેનો બહુમતી હિસ્સો હવે બ્રિટનની ડિયાજિયો પાસે છે. ડિયાજિયો અને માલ્યા વચ્ચે કંપનીના ફંડ્સને ખોટી રીતે કંપનીઓમાં રોકવાના વિવાદને લીધે ડીલ પૂરી કરવામાં સમય લાગ્યો છે. વિજય માલ્યાએ ૨૦૦૮માં આરસીબીની ટીમ ખરીદી હતી, જે મુકેશ અંબાણીની મુંબઈ ઈન્ડિયન્સ પછી બીજી ક્રમે સૌથી મોંઘી ટીમ હતી. વિજય માલ્યા શરૂઆતથી ટીમ સાથે જોડાયેલા છે. એક સૂત્રે જણાવ્યું હતું કે ૧૦ કરોડ ડોલરનો આંકડો અંદાજ કરતાં ઓછો છે, પરંતુ મૂલ્ય ચકાસતાં પહેલાં આઈપીએલ સાથે સંકળાયેલા વિવાદોને પણ ધ્યાનમાં લેવા જરૂરી છે.