મુંબઈઃ નાણાકીય વર્ષનો અંત નજીક આવતાં જ વ્યક્તિગત કરદાતાને ટેક્સ પ્લાનિંગની ચિંતા થવા લાગે છે, પણ વિશ્વમાં એવા કેટલાક દેશો છે જ્યાં ન તો લોકોને ટેક્સ પ્લાનિંગની ચિંતા છે અને ન તો તેમને ટેક્સ રિટર્ન ફાઇલ કરવા પડે છે કેમ કે આ દેશમાં લોકોને આવકવેરો જ ચૂકવવો પડતો નથી!
આ આઠ દેશોમાં યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ), કતાર, ઓમાન, કુવૈત, બહેરીન, બર્મુડા, બહામાસ અને કેમેન ટાપુનો સમાવેશ થાય છે. યુએઇ ક્રૂડ ઓઈલની નિકાસમાં વિશ્વમાં ત્રીજો ક્રમ ધરાવે છે. આ દેશ ઓઇલ કંપનીઓ પાસેથી ટેક્સ વસૂલ કરે છે. કતાર દેશમાં વ્યકિતગત આવક, ડિવિડન્ડ, રોયલ્ટી, નફો, કેપિટલ ગેઇન કે પ્રોપર્ટી પર કોઇ ટેક્સ લેવાતો નથી. જોકે કતારના લોકોને સામાજિક સુરક્ષાના લાભો માટે પાંચ ટકાની ચૂકવણી કરવી પડે છે. ઓમાનની મોટા ભાગની આવક ક્રૂડ ઓઇલમાંથી થાય છે. એપ્રિલ માસમાં દેશની ઓઇલની આવકમાં ૩૫ ટકાનો વધારો થયો હતો. કુવૈતમાં આવક પર કોઇ ટેક્સ વસૂલ કરાતો નથી. જોકે સામાજિક સુરક્ષા માટે કુવૈતના લોકોને ૭.૫ ટકા અને કર્મચારીઓને ૧૧ ટકાની ચૂકવણી કરવી પડે છે.
જો તમે કેમેન ટાપુમાં નોકરી કરતા હો તો તમારે ટેક્સની ચિંતા કરવાની જરૂર નથી. અહીંના કર્મચારીઓ પાસેથી કોઇ આવકવેરો લેવાતો નથી, પરંતુ નિવૃત્તિ બાદ પેન્શન મળી રહે તે માટે અમુક રકમ વસૂલ કરાય છે. બેહરીનમાં પણ સામાજિક સુરક્ષા માટે જ લોકોને ૭ ટકા અને કર્મચારીઓને ૧૨ ટકા રકમ ચૂકવવી પડે છે. આવકવેરા માટે કોઇ રકમ ચૂકવવી પડતી નથી. બર્મુડામાં કર્મચારીઓને દર સપ્તાહે સામાજિક સુરક્ષા માટે ૩૦.૪૦ ડોલર ચૂકવવા પડે છે. આ સિવાય કોઇ રકમ સરકારને ચૂકવવાની હોતી નથી. બહામાસ કેરેબિયનનો સૌથી ધનિક દેશ છે. અહીંના લોકોને પણ ટેક્સની કોઇ ચિંતા નથી. સામાજિક સુરક્ષા માટે અહીંના લોકોને ૩.૯ ટકા અને કર્મચારીઓએ ૫.૯ ટકા ચૂકવવા પડે છે.