નવી દિલ્હીઃ વિશ્વના ટોચના ૫૦ ધનાઢયોના નામની યાદી જાહેર થઇ છે, જેમાં ત્રણ ગુજરાતી બિઝનેસમેન - મુકેશ અંબાણી (રિલાયન્સ ગ્રૂપ), અઝીમ પ્રેમજી (વિપ્રો ગ્રૂપ) અને દિલીપ સંઘવી (સન ફાર્મા)એ સ્થાન મેળવ્યું છે. વેલ્થ-એક્સ અને બિઝનેસ ઈન્સાઇડર દ્વારા સંયુક્તપણે તૈયાર કરાયેલી આ યાદીમાં સોફ્ટવેર જાયન્ટ માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ સતત બીજા વર્ષે પ્રથમ સ્થાને છે.
યાદીમાં બિલ ગેટ્સ પછી બીજા નંબરે સ્પેનના બિઝનેસમેન આમાચિઓ ઓર્ટેગા, ત્રીજા નંબરે અમેરિકન બિઝનેસમેન વોરેન બફેટ, એમેઝોનના જેફ્રી બેઝોસ ચોથા નંબરે અને પાંચમા નંબરે અમેરિકાના ધનપતિ ડેવિડ કોચે સ્થાન મેળવ્યું છે.
વિશ્વના ટોચના ધનવાનોની યાદીમાં સ્થાન મેળવનાર ત્રણ ભારતીય બિઝનેસમેનમાં રિલાયન્સ ગ્રૂપના મુકેશ અંબાણી સૌથી આગળ છે. ૫૦ ધનવાનોની યાદીમાં મુકેશ અંબાણીનો ક્રમ ૨૭મો છે. તેમની સંપત્તિ ૨૪.૮ બિલિયન ડોલર હોવાનું અહેવાલમાં કહેવાયું છે. જ્યારે વિપ્રો ગ્રૂપના અઝીમ પ્રેમજી ૪૩મા સ્થાને છે. તેમની સંપત્તિ ૧૬.૫ બિલિયન ડોલર છે અને ત્યાર બાદ તરતના ૪૪મા સ્થાને સન ફાર્મા ગૂર્પના દિલીપ સંઘવીનો સમાવેશ કરાયો છે. તેમની સંપત્તિ ૧૬.૪ બિલિયન ડોલર હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
૫૦ ધનવાનોની કુલ સંપત્તિનો આંકડો ૧.૪૫ ટ્રિલિયન થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ રકમ ઓસ્ટ્રેલિયાની કુલ જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ની સમાંતર થવા જાય છે. યાદીમાં અમેરિકાના ૨૯ બિઝનેસમેનનો સમાવેશ થયો હતો. એ સાથે અમેરિકા સૌથી વધુ સંપત્તિવાન બિઝનેસમેન સાથે પહેલા નંબરે રહ્યો હતો. ભારતના પાડોશી દેશ ચીનના ૪ બિઝનેસમેનના આ યાદીમાં જોવા મળે છે.
ધનવાનોની યાદીમાં ૩૧ વર્ષના ફેસબૂકના સહસ્થાપક માર્ક ઝકરબર્ગ સૌથી યુવાન બિઝનેસમેન છે. તો સમગ્ર યાદીમાં માત્ર ૪ મહિલા બિઝનેસમેન સ્થાન ધરાવે છે. ઉલ્લેખનીય છે કે વેલ્થ એક્સ અને બિઝનેસ ઈન્સાઇડરે મળીને વિશ્વના ૧.૧૦ લાખ ધનવાન લોકોનો ડેટાબેઝ તૈયાર કર્યો છે.
કોણ ક્યા ક્રમે?
૧ બિલ ગેટ્સ (માઇક્રોસોફ્ટ)
૨ આમાન્ચિઓ ઓંર્ટેગા (ઈન્ડિટેક્સ)
૩ વોરેન બફેટ (બર્કશાયર હેથવે)
૪ જેફ્રી બેઝોસ (એમેઝોન)
૫ ડેવિડ કોચ (કોચ ઈન્ડસ્ટ્રી)
૨૭ મુકેશ અંબાણી (રિલાયન્સ)
૪૩ અઝિમ પ્રેમજી (વિપ્રો)
૪૪ દિલીપ સંઘવી (સન ફાર્મા)