ન્યૂ યોર્કઃ વિશ્વના સૌથી વધુ બિલિયોનેર અમેરિકામાં વસે છે, જ્યારે આ યાદીમાં ભારત ચોથા સ્થાને છે. બીજા અને ત્રીજા ક્રમે ચીન અને જર્મની આવે છે. જોકે વિશ્વના ટોચના ૧૦૦ બિલિયોનેર્સમાં ફક્ત પાંચ ભારતીયો સ્થાન પામે છે, તેમ અમેરિકાથી પ્રકાશિત થતા પ્રતિષ્ઠિત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’ના રિચ લિસ્ટ-૨૦૧૫માં જણાવાયું છે.
ભારતીય બિલિયોનેર્સની સંખ્યા વધીને ૯૦ થઈ છે અને તેમની કુલ સંપત્તિ ૨૯૪ બિલિયન યુએસ ડોલર છે. તેમાં ગયા વર્ષની તુલનાએ નોંધપાત્ર વધારો થયો છે, જેમાં બિલિયોનેર્સની સંખ્યા ૫૬ હતી અને તેની કુલ નેટવર્થ ૧૯૧.૫ બિલિયન યુએસ ડોલર હતી. તેમની તુલનામાં અમેરિકામાં ૫૩૬ બિલિયોનેર, ચીનમાં ૨૧૩ બિલિયોનેર અને જર્મનીમાં ૧૦૩ બિલિયોનેર છે. વિશ્વ સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને યુરો નબળો પડ્યો હોવા છતાં વૈશ્વિક આર્થિક કટોકટી વચ્ચે વિશ્વના સંપત્તિવાનોની સંખ્યામાં વધારો થયો છે.
વિશ્વના ૧,૮૨૬ બિલિયોનેર્સની કુલ સંપત્તિ ૭.૦૫ ટ્રિલિયન યુએસ ડોલર છે, જે ગયા વર્ષે ૬.૪ ટ્રિલિયન યુએસ ડોલર હતી. વિશ્વના કુલ બિલિયોનેર્સમાં ૨૯૦ નવા છે, જેમાંથી ૭૧ ચીનના છે.
યાદીમાં પાંચ ભારતીય મહિલા
વિશ્વના બિલિયોનેર્સની ‘ફોર્બ્સ’ની યાદીમાં પાંચ ભારતીય મહિલાઓનો સમાવેશ થયો છે. આ વર્ષે મહિલાઓની સંખ્યા નોંધપાત્ર છે, છતાં કુલ બિલિયોનેર્સમાં તેઓ માત્ર ૧૧ ટકા જ છે. આ વર્ષે બિલિયોનેર્સની યાદીમાં ભારતીય મહિલાઓની સંખ્યા ગયા વર્ષના બે કરતાં વધીને પાંચ થઈ છે. ભારતીય મહિલાઓમાં સાવિત્રી જિંદાલ વૈશ્વિક યાદીમાં ૨૮૩મા ક્રમે છે, જેમની નેટવર્થ ૨૦૧૫માં ૫.૩ બિલિયન યુએસ ડોલર હતી. તેમના પછી બેનેટ કોલમેન એન્ડ કંપનીના વડા ઇન્દુ જૈન છે, જે ૩.૧ બિલિયન યુએસ ડોલરની સંપત્તિ સાથે ૬૦૩મા ક્રમે છે. ૧.૫ બિલિયન યુએસ ડોલરની સંપત્તિ સાથે અનુ આગા ૧,૩૧૨મા ક્રમે, કિમત રાય ગુપ્તાના પત્ની ૧.૨ બિલિયન યુએસ ડોલરની સંપત્તિ સાથે ૧,૫૩૩મા ક્રમે અને બાયોકોનના કિરણ મઝુમદાર શો ૧,૭૪૧મા ક્રમે છે, તેમની સંપત્તિ એક બિલિયન યુએસ ડોલર છે.