નવી દિલ્હીઃ સીધા વિદેશી મૂડીરોકાણો (એફડીઆઇ)ને આકર્ષવાના ઇરાદે નાણા પ્રધાન અરુણ જેટલીએ વીમો, પેન્શન, ફૂડ પ્રોસેસિંગ, એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (એઆરસી) અને સ્ટોક એક્સચેન્જ સહિતના ક્ષેત્રોમાં એફડીઆઈ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
સૂચિત જોગવાઇ અનુસાર, વીમો અને પેન્શન ક્ષેત્રમાં ૪૯ ટકા સુધી એફડીઆઈને મંજૂરી અપાશે. આ ક્ષેત્રોમાં અગાઉ એફડીઆઈની મહત્તમ મર્યાદા ૨૬ ટકા હતી. ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં ૧૦૦ ટકા એફડીઆઈને મંજૂરી અપાઇ છે. એસેટ રિકન્ટ્રક્શન કંપની (એઆરસી)માં ૧૦૦ ટકા એફડીઆઈની મંજૂરી અપાઇ છે. અગાઉ આ ક્ષેત્રમાં ૪૯ ટકા એફડીઆઈ માન્ય હતું.
જેટલીએ જણાવ્યું હતું કે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ) માટે ભારતીય સ્ટોક એક્સચેન્જમાં રોકાણની મર્યાદા પાંચ ટકાથી વધારીને ૧૫ ટકા કરવામાં આવી છે. આ નિર્ણયને કારણે ભારત સ્ટોક એક્સચેન્જમાં વૈશ્વિક હરિફાઈનો સામનો કરવાની શક્તિ વધશે.
બેંકો સિવાયના ભારત સરકારના તમામ જાહેર એકમોમાં એફપીઆઈના રોકાણની મર્યાદા ૨૪ ટકાથી વધારીને ૪૯ ટકા કરાઇ છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ સંરક્ષણ, રેલવે, મેડિકલ સાધનો અને સિવિલ એવિએશન સહિતના ૧૨ જેટલા ક્ષેત્રોમાં પણ સરકારે એફડીઆઈનું પ્રમાણ વધાર્યું હતું. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ડિસેમ્બર સુધીના ગાળામાં દેશમાં એફડીઆઈના પ્રમાણમાં ૪૦ ટકાનો વધારો થયો છે.