લંડનઃ નાઈટ્સબ્રિજના કંપની ડિરેક્ટર અને હેરો અને ઓક્સફર્ડના ગ્રેજ્યુએટ ૪૨ વર્ષીય શીલ ખેમકાને એક મિલિયન પાઉન્ડની વેટ ટેક્સ ગેરરીતિ બદલ ક્રોયડન ક્રાઉન કોર્ટે પાંચ વર્ષની જેલની સજા ફરમાવી છે. ખેમકાએ ૧૨ કંપનીઓ સ્થાપી તેનો ઉપયોગ વેટકૌભાંડમાં કર્યો હતો.
ખેમકાએ એવો દાવો કર્યો હતો કે તે લાખો પાઉન્ડના ખર્ચાળ ડિઝાઈનર જીન્સનું વેચાણ કરે છે. વાસ્તવમાં તેણે ૨૪,૦૦૦ પાઉન્ડની કિંમતના જીન્સની યુએસથી ત્રણ વખત આયાત કરી હતી. દર વખતે એકના એક જીન્સનો ઉપયોગ કરી રેવન્યુ વિભાગ પાસેથી વેટની રકમ મેળવતો હતો. ખેમકાએ મે-ઓક્ટોબર ૨૦૦૯ના ગાળામાં ૧૨ વેટ રીપેમેન્ટ ક્લેઈમ્સ કર્યા હતા અને રિફન્ડ તરીકે ૪૯૮,૦૦૦ પાઉન્ડ મેળવ્યા હતા. તેણે વધુ ૫૦૦,૦૦૦ પાઉન્ડના અન્ય ૧૧ ક્લેઈમ્સ કર્યા હતા. તેણે કૌભાંડથી મેળવેલા નાણા પરત ચુકવી દેવાયાં છે. તેના પર કંપની ડિરેક્ટર તરીકે કામ કરવા સામે સાત વર્ષનો પ્રતિબંધ લદાયો છે.
ખેમકાએ તેના બનાવટી બિઝનેસ પ્રીમાઈસીસ લંડન અને વિવિધ કાઉન્ટીમાં સ્થાપ્યા હતા. રેવન્યુ વિભાગ દ્વારા રીપેમેન્ટ ક્લેઈમ્સની ચકાસણી વિઝિટ પહેલા તે ઓફિસ અને વેરહાઉસ ભાડે મેળવતો હતો. યુએસથી ખરીદેલાં ડિઝાઈનર જીન્સનો નાનો જથ્થો નવા પેકેજિંગ અને લેબલ્સ લગાવી ફેરવતો રહેતો હતો. નવેમ્બર ૨૦૧૧માં તેની ધરપકડ કરાઈ હતી.