મુંબઇઃ દાદાએ પૌત્ર-પૌત્રીઓ પર પ્રેમ વરસાવવો જોઈએ એવો મત નોંધાવતા સંપતિના વિવાદનો શક્ય હોય તો કોર્ટની બહાર આપસમાં સમજદારીથી ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો એવી સલાહ મુંબઈ હાઈ કોર્ટે ઉદ્યોગપતિ સિંઘાનિયા કુટુંબને આપી હતી.
રેમન્ડ ગ્રૂપના માનદ અધ્યક્ષ ડોકટર વિજયપત સિંઘાનિયાની સિંગાપુરમાં રહેતી પૌત્રીઓ અનન્યા, તારિણી, રસાલિકા અને રેવથરીએ સંપતિમાં અધિકાર માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. પહેલાં તેમણે દાવાના અંતિમ ચુકાદા સુધી સંપતિ વિશે કોઈ પણ વ્યવહાર કરવા માટે વિજયપત સિંઘાનિયાને રોકવા એવી વિનંતી સાથે અરજી દ્વારા કરી હતી. જોકે જજ ગૌતમ પટેલે અરજી ફગાવી દીધી હતી.
વિજયપત સિંઘાનિયાના પુત્ર મધુપતિ ૧૬ વર્ષ પહેલાં કુટુંબને છોડીને પત્ની સાથે સિંગાપુરમાં સ્થાયી થયા હતા. સમયે તેમણે પિતા વિજયપત સાથે કરાર કરીને સંપતિ પર પોતાનો અને પોતાના નાના બાળકોના તમામ હક છોડી દીધા હતા. પિતાએ ૧૬ વર્ષ પહેલાં કરાર કર્યો સમયે અમે સગીર હતા અને અમારો વારસાહક અમારા વતી કોઈ છોડી શકે નહીં. તેથી કરાર ગેરકાયદે છે એવો વાંધો ઉઠાવતા ચાર પૌત્રીઓએ તેમનો સંપતિમાં હક બાબતે દાવો કર્યો હતો.