મુંબઇઃ મુંબઈના ટોચના બિલ્ડર પરિવાર હીરાનંદાનીમાં સંપત્તિને લીધે વિવાદ ઊભો થયો છે. ૭૦ લાખ ડોલરની મિલકત માટે નિરંજન હીરાનંદાની અને તેમના પુત્ર દર્શન હીરાનંદાનીને પરિવારની પુત્રી પ્રિયા વાંદ્રેવાલા અદાલતમાં ઢસડી ગઈ છે.
તાજેતરમાં મુંબઇનું મોભાદાર કુટુંબ ગણાતા મફતલાલ પરિવારની પુત્રીઓમાં પણ પિતાની સંપત્તિ બાબતે કાનૂની જંગ ચાલી રહ્યો છે ત્યારે હીરાનંદાની પરિવારમાં પણ પ્રોપર્ટીનો મામલો અદાલતમાં પહોંચ્યો છે. લંડનમાં રહેતી પ્રિયાએ તેના પિતા અને ભાઈ વિરુદ્ધ દિલ્હી હાઈ કોર્ટમાં કેસ નોંધાવ્યો છે તેમજ તેમને પવઈની પ્રોપર્ટીમાંથી અલગ કરવામાં આવે અને પાર્ટનરશિપ ફર્મમાં તેમની હિસ્સેદારી ઓછી કરવાનો આદેશ આપવાની માગણી કરી છે.
એક અહેવાલમાં પ્રિયાને ટાંકીને જણાવાયું હતું કે ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન ટ્રિબ્યૂનલ કોઇ પણ સમયે તેમના પક્ષમાં ચુકાદો આપી શકે છે, તેથી તેમણે આ પ્રમાણેના રક્ષણાત્મક આદેશોની માગણી કરી છે. ભારતમાં રિયલ એસ્ટેટ બિઝનેસનો વિકાસ કરવા પ્રિયા અને તેના પિતા વચ્ચે ૨૦૦૬માં બિઝનેસ ડીલ થઈ હતી, જેમાં અમુક પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો.
શીતલ મફતલાલે ભાગ માગ્યો
પ્રખ્યાત ઉદ્યોગપતિ અતુલ્ય મફતલાલના પત્નીએ તેની માતા પાસેથી ભગતલાલ હાઉસમાં હિસ્સો માગ્યો છે. વાંદરા ખાતે પાલી હિલમાં ૧૦,૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલા આ બંગલો પર માલિકીહક મેળવવા શીતલે ગત મહિને બળજબરીપૂર્વક બંગલામાં ઘૂસવા પ્રયત્ન કર્યો હતો. આ મુદ્દે મોટો વિવાદ થયો હતો. આ બાબતે શીતલ અને તેમના માતા રજની ભગત તથા બહેન પૂનમ ભગતે સામસામે ફરિયાદ નોંધાવી હતી.