લખનૌઃ રસભરી સચિન કેરી અને મીઠીમધુરી ઐશ્વર્યા કેરી બજારમાં આવ્યા પછી હવે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના નામની સોનેરી રંગની ‘સોનિયા કેરી’ બજારમાં આવશે.
ઉત્તર પ્રદેશના મલીહાબાદ વિસ્તારમાં રહેતા આંબા-કલમ નિષ્ણાત હાજી કલીમુલ્લાએ કેરીઓની આ જાતો બનાવી છે. જેમાં રસમધુર સોનેરી રંગની સોનિયા કેરી તેમનો તાજેતરનો કલમ-કસબ છે. દેશના અગ્રણી બાગબાનોમાં જેની ગણતરી અગ્રણી સ્થાને ગણતરી થાય છે એવા કલી મુલ્લાહ આ કેરી સોનિયા ગાંધીને રૂબરૂમાં ભેટ આપવા માંગે છે.
આ હોર્ટિકલ્ચરિસ્ટે એક જ આંબા ઉપર જુદી જુદી ૩૦૦ કલમો રોપીને એક વિક્રમ સર્જ્યો હતો. તેઓને બાગાયત માટે પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. કલીમુલ્લાહે કેરી ઉપરાંત જમરૂખની પણ અનેક જાતો વિક્સાવી છે. જેને તેમણે બોલિવૂડની ખ્યાતનામ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ઉપરથી ઐશ્વર્યા નામ આપ્યું છે. આ ૭૦ વર્ષીય કૃષિ નિષ્ણાતે ગયા વર્ષના મે મહિનામાં વિક્સાવેલી કેરીની નવી જાત (પ્રકાર)નું નામ ખ્યાતનામ ક્રિકેટર સચિન તેંડુલકર ઉપરથી સચિન રાખ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ૧૯૫૭માં તેમણે સાતમા ધોરણથી શાળા છોડી દીધી અને તેમના કુટુંબના બાગબાનીના વ્યવસાયમાં જોડાયા હતા. તેમનું કુટુંબ ૧૫૦ વર્ષથી બાગબાનીનો વ્યવસાય કરે છે. તેમણે એક જ વૃક્ષ ઉપર વિવિધ કલમો રોપીને તે કલમોની સંખ્યા વધારતા જવાનો નિર્ણય કર્યો હતો અને છેવટે એ જ વૃક્ષ ઉપર તેમણે ૩૦૦ કલમો રોપી તે વિક્સાવી હતી. આ કામ તેમણે ૧૯૮૭થી શરૂ કર્યું હતું અને છેલ્લે આટલી મોટી સંખ્યા સુધી પહોંચી શક્યા હતા. જેમાં જુદા જુદા આકાર અને સ્વાદની કેરીઓ વિક્સાવી હતી.