મુંબઇઃ વર્ષ ૧૯૮૩ની વાત છે. એક યુવા ઉદ્યોગસાહસિક જેનેરિક દવાની કંપની સ્થાપવાનું સ્વપ્ન અને થોડાક લાખ રૂપિયાની મૂડી સાથે ભારતીય ફાર્માસ્યુટિકલ્સ માર્કેટમાં પ્રવેશ્યો હતો. આજે ૩૨ વર્ષ બાદ તે માત્ર બાહોશ બિઝનેસમેન જ નથી, પરંતુ ‘સૌથી સમૃદ્ધ ભારતીય’ની ઓળખ પણ ધરાવે છે. આ વાત છે ૧૯૫૫માં સૌરાષ્ટ્રના અમરેલીમાં જન્મેલા દિલીપ સંઘવીની. આજે તેમની સન ફાર્માસ્યુટિકલ્સ કંપની ભારતની સૌથી મોટી અને વિશ્વની ચોથા ક્રમની દવા કંપની છે.
ચોથી માર્ચે સન ફાર્માસ્યુટિકલ્સ તથા ગ્રૂપની કંપનીઓ સન ફાર્મા એડવાન્સ્ડ રિસર્ચ (‘સ્પાર્ક’) તથા રેનબેક્સીના શેર નવી ઊંચી સપાટીએ સ્પર્શ્યા તે સાથે જ સન ફાર્મા જૂથના પ્રમોટર દિલીપ સંઘવી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીની આગળ નીકળીને સૌથી સમૃદ્ધ ભારતીય બન્યા હતા.
રેનબેક્સીના મૂલ્યને (સન ફાર્મા સાથે તેનું મર્જર પૂરું થયું ન હોવાથી) બાદ કરીએ તો ચોથી માર્ચની તેજી બાદ સંઘવીની નેટવર્થ રૂ. ૧.૪ લાખ કરોડની હતી. જ્યારે અંબાણીની નેટવર્થ રૂ. ૧.૩ લાખ કરોડના સ્તરે હતી. હાલોલ ખાતેની સન ફાર્માની સુવિધામાં ઉત્પાદિત થનારી પ્રોડક્ટને યુએસ ફુડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (USFDA)ની મંજૂરી મળ્યાના સકારાત્મક સમાચારના પગલે શેર ઊંચકાયા હતાં. USFDAની મંજૂરીના પગલે સન ફાર્માની તમામ કંપનીઓમાં ખરીદીને વેગ મળ્યો હતો. ચોથી માર્ચે સન ફાર્માસ્યુટિકલનો શેર ૬.૬ ટકા વધીને રૂ. ૧,૦૩૫ની નવી ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો, અને કંપની રૂ. બે લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશનની ક્લબમાં પ્રવેશી હતી. સ્પાર્ક ૪.૩ ટકા અને રેનબેક્સી ૭.૧ ટકા વધ્યો હતો. પાંચમી માર્ચે સન ફાર્માનો શેર ૩.૨૪ ટકા વધીને રૂ. ૧,૦૩૭.૩૫ની નવી ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો, જ્યારે સ્પાર્કનો શેર ૧૦ ટકાની તેજી સાથે રૂ. ૪૭૩.૫૫ બંધ રહ્યો હતો.
આના એક દિવસ પૂર્વે સન ફાર્માએ બ્રિટિશ દવા કંપની ગ્લેક્સોસ્મિથલાઇનના ઓપિએટ્સના કારોબારને હસ્તગત કરવાની જાહેરાત કરી હતી. વ્યૂહાત્મક રીતે મહત્ત્વ ધરાવતા આ સોદાએ કન્ટ્રોલ્ડ સબસ્ટન્સિઝના થેરાપ્યુટિક સેગમેન્ટમાં સન ફાર્માની ઉપસ્થિતિને મજબૂત બનાવી છે.
ખોટમાંથી નફો
ભારતનાં સૌથી ચતુર સીઈઓમાં સ્થાન ધરાવતા દિલીપ સંઘવી ફાર્મા સેક્ટરના ટ્રેન્ડને હરીફો કરતાં ઘણાં વહેલાં જ પારખી લે છે. આથી જ સન ફાર્માએ વૃદ્ધિ માટે કંપનીઓને ખરીદવાનો વ્યૂહરચના અપાનાવી હતી. તેઓ મુશ્કેલીમાં મુકાયેલી કંપનીને સસ્તામાં ખરીદી લઇને નફો રળતી કરી શકે છે. રેનબેક્સીનું એક્વિઝિશન દિલીપ સંઘવીની આ આવડતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
સંઘવીના પાંચ સાથીદાર
દિલીપ સંઘવી સન ફાર્માસ્યુટિકલ્સને સફળતાના પંથે દોરી ગયા છે તેમાં આ પાંચ સાથીદારોનું મહત્ત્વનું પ્રદાન છે.
ઈઝરાયલ મેકોવઃ તેમના નેતૃત્વમાં ટેવા કંપનીએ જબરજસ્ત વૃદ્ધિ હાંસલ કરી હોવાથી તેમની ભરતી કરવામાં આવી હતી. મેકોવને ચેરમેનપદ સ્વીકારવા માટે સહમત કરવા સંઘવીએ ૧૮ મહિના સુધી પ્રયાસ કર્યા હતા. આમ સ્પષ્ટ છે કે સંઘવી માટે મેકોવ એક ચેરમેનથી પણ વધારે મહત્ત્વપૂર્ણ વ્યક્તિ છે. તેઓ સંઘવીના માર્ગદર્શક છે.
સુધીર વાલિયાઃ તેઓ દિલીપ સંઘવીના સાળા અને કંપનીમાં એકિઝક્યુટિવ ડિરેક્ટર છે. સન ફાર્માના જટિલ ફાઈનાન્સિયલ સ્ટ્રક્ચર પાછળ વાલિયાનો જ હાથ છે.
કલ્યાણસુંદરમ્ સુબ્રમણિયનઃ ‘કાલ’ના ઉપનામથી વધુ જાણીતા કલ્યાણસુંદરમ્ અતિ-મૂલ્યવાન ટેરો ફાર્માના સીઈઓ છે.
કીર્તિ ગનોરકરઃ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ (બિઝનેસ ડેવલપમેન્ટ)નો હોદ્દો ધરાવતા કીર્તિ ગનોરકર નફાકારક સોદો કરવામાં પાવરધા છે.
અભય ગાંધીઃ સન ફાર્માના ભારતીય બિઝનેસના હેડ છે અને ભારતની ફાર્મા માર્કેટના અચ્છા જાણકાર છે.

સંઘવીની સાફલ્યગાથા
• વર્ષ ૧૯૮૩માં પાંચ સાઇકિયાટ્રી ઉત્પાદનોના વેચાણ સાથે સન ફાર્માની શરૂઆત થઇ હતી. • વર્ષ ૧૯૮૯માં નિકાસનો પ્રારંભ થયો. • વર્ષ ૧૯૯૪માં સન ફાર્માનો પબ્લિક ઇશ્યૂ, જે ૫૫ ગણો છલકાયો હતો. • કંપનીએ વર્ષ ૧૯૯૭માં યુએસ સ્થિત કારાકોની ખરીદી સાથે પોતાનું સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય એક્વિઝિશન કર્યું હતું. • વર્ષ ૧૯૯૯માં ભારતની ટોચની ૧૦ ફાર્મા કંપનીઓમાં સ્થાન મેળવ્યું. • પાછલા ૨૦ વર્ષમાં ૨૦ એક્વિઝિશન કર્યાં છે. • ૨૦૧૪માં રેનબેક્સીના એક્વિઝિશનની જાહેરાત કરી, રેનબેક્સી એ વખતે ભારતની સૌથી વિશાળ ફાર્મા કંપની હતી. • રેનબેક્સીને ખરીદ્યા બાદ પણ સન ફાર્માની એક્વિઝિશન યાત્રા ચાલુ રહી છે.