નવી દિલ્હીઃ છેલ્લા લાંબા સમયથી મુશ્કેલીમાં મૂકાયેલા સહારા ગ્રૂપને એક તરફ સુપ્રીમ કોર્ટે જેલમાં કેદ તેના વડા સુબ્રતો રોયને જામીન પર છોડાવવા માટે ભંડોળ એકઠું કરવા વધુ એક વખત મુદત આપી છે. તો બીજી તરફ અમેરિકા સ્થિત મિરાક કેપિટલ ગ્રૂપે સહારા ગ્રૂપ અને એક ન્યૂઝ ઓર્ગેનાઈઝેશન સામે ૪૦ કરોડ ડોલર (અંદાજે ૨૫૦૦ કરોડ રૂપિયા)નો બદનક્ષીનો દાવો માંડ્યો છે. મિરાકે દાવો કર્યો છે કે આ ન્યૂઝ ઓર્ગેનાઈઝેશન સહારા ગ્રૂપનું મદદગાર છે.
અગાઉ મિરાકે સહારાની લંડનમાં આવેલી ગ્રોવનોર હાઉસ અને ન્યૂ યોર્કની ન્યૂ યોર્ક પ્લાઝા તથા ડ્રીમ ડાઉનટાઉન હોટેલ્સના બદલામાં સહારાને બે બિલિયન ડોલરની લોન આપવામાં ડીલ કરી હતી. જે રકમ સહારા ગ્રૂપ તેના વડા સુબ્રતો રોયની જેલમુક્તિ માટે વાપરવા માગતું હતું.
જોકે, ગત મહિને સહારા ગ્રૂપ દ્વારા મિરાક વિરુદ્ધ છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજો કરવાના આક્ષેપ સાથે એમ જણાવાયું હતું કે તેણે મિરાક વિરુદ્ધ કાનૂની કાર્યવાહી આરંભી છે. મિરાક ગ્રૂપ અને તેના સીઇઓ સારાંશ શર્માની ગુનાઇત વર્તણૂક અને નાણાકીય સામર્થ્યના અભાવે ડીલ તૂટી છે, જેનાથી સહારાનો મૂલ્યવાન સમય અને સંસાધનો વેડફાયા છે અને સહારા ગ્રૂપના મોભાને નુકસાન પહોંચ્યું છે.
સહારા ગ્રૂપના આ આક્ષેપોના જવાબમાં મિરાક ગ્રુપે ૧૭ માર્ચે એમ કહ્યું હતું કે સહારાના આક્ષેપો પાયાહીન છે. અમે સહારા ગ્રૂપ અને તેના સહાયક ન્યૂઝ ઓર્ગેનાઇઝેશન સામે ૪૦ કરોડ ડોલરનો બદનક્ષીનો દાવો માંડી રહ્યા છીએ.