લુધિયાણા: ભારતમાં સાઇકલના પિતામહ ગણાતા ઓમ પ્રકાશ મુંજાલનું ગુરુવારે નિધન થયું છે. ‘હીરો’ બ્રાન્ડને સાઇકલનો પર્યાય બનાવનાર ૮૬ વર્ષના મુંજાલને કેટલાક દિવસથી સારવાર માટે દયાનંદ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
પરિવાર અને મિત્રોમાં ‘ઓ.પી.’ના હુલામણા નામે જાણીતા મુંજાલે ભારતમાં હીરો સાઈકલનું વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું હતું. તેમણે ભાઈ સાથે ભાગીદારી કરીને ૧૯૪૪માં સાઈકલના સ્પેરપાર્ટનો વ્યવસાય શરૂ કર્યો હતો. અહીંથી તેમની સાઇકલ યાત્રાનો પ્રારંભ થયો. ૧૯૫૬માં લુધિયાણામાં તેમણે હીરો સાઈકલનું પહેલું કારખાનું શરૂ કર્યું. તે સમયે રોજની ૨૫ સાઈકલ બનતી. આજે રોજ ૧૯ હજારથી વધુ સાઈકલ બને છે.
હિન્દુસ્તાનના ભાગલા પછી પાકિસ્તાનથી પંજાબ આવીને વસેલા મુંજાલે તેમના ભાઈઓ સાથે અમૃતસરની ગલીઓ અને ફૂટપાથ પર સાઈકલના સ્પેરપાર્ટ્સ સપ્લાય કરવાનું કામ શરૂ કર્યું હતું. ‘ઓ.પી.’ વિવિધ શહેરોમાં ફરીને સ્પેરપાર્ટ્સના કોન્ટ્રેક્ટ મેળવતા હતા. ધંધાએ વેગ પકડતાં સપનાને પણ પાંખો ફૂટી. નાણાં નહોતા તો લોન મેળવીને સાઇકલનું એસેમ્બલિંગનું કામ કરવા લાગ્યા.
૧૯૫૬માં તેમણે પોતાનાં સપનાને નામ આપ્યું - ‘હીરો’. લુધિયાણામાં સાઇકલની પ્રથમ ફેક્ટરી નાખી. ત્યારે રોજ ૨૫ સાઇકલ બનતી હતી. ૩૦ વર્ષ પછી ૧૯૮૬માં ‘હીરો’ વિશ્વમાં સૌથી વધુ સાઇકલ બનાવનારી કંપની બની ગઈ. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ આવી ગયું. કંપની આજે પ્રતિ દિન ૧૯ હજાર કરતાં વધુ સાઇકલ બનાવે છે. આ સફળતાના અસલી હીરો ‘ઓ.પી.’ જ હતા.
‘ઓ.પી.’ની આત્મકથામાં એક કિસ્સો છે. એક વાર ફેક્ટરીમાં હડતાળ પડી ગઈ. મુંજાલ ફેક્ટરીની ઓફિસમાં જ હતા. તેઓ કેબિનમાંથી નીકળ્યા અને મોટેથી કહ્યું, ‘તમે ઇચ્છો તો ઘેર જઈ શકો છો, પરંતુ મારે તો કામ કરવું જ પડશે. મારી પાસે ઓર્ડર છે.’ આટલું કહીને તેઓ મશીનો ચાલુ કરવા લાગ્યા. કેટલાક સિનિયર્સે તેમને રોક્યા અને કહ્યું ‘સર, તમે આવું ના કરો...’
‘ઓ.પી.’નો જવાબ હતોઃ ‘ડીલર સમજી શકે છે કે હડતાળને કારણે કામ નથી થયું, પણ બાળકો કઈ રીતે સમજશે કે જેમના માતાપિતાએ તેમના જન્મદિવસે તેમને સાઇકલ લાવી આપવાનું વચન આપ્યું છે. આપણી હડતાળને કારણે કદાચ તેને સાઇકલ નહીં મળે. હું મારા બાળકને વચન આપું તો એવી અપેક્ષા પણ રાખું કે તે વચન નિયત સમયે પૂરું કરું. તેથી હું જેટલી સાઇકલ બનાવી શકીશ, બનાવીશ. ડીલરોને જે વચન આપ્યા છે જેટલી હદ સુધી પૂરા કરી શકું, તેટલા જરૂરથી પૂરા કરીશ.’
‘ઓ.પી.’એ કામ શરૂ કરી દીધું. કર્મચારીઓ સુધી આ વાત પહોંચતા તેઓ દોડતા આવ્યા અને કામ શરૂ કરી દીધું. તે દિવસે જેટલા ઓર્ડર પેન્ડિંગ હતા તે બધાનું કામ પૂરું કરી દેવામાં આવ્યું. ઓમ પ્રકાશ મુંજાલના નેતૃત્વનું કૌશલ્ય હતું.