સાણંદઃ ગુજરાતના મહાનગર અમદાવાદના સીમાડે આવેલું સાણંદ દેશના ઓટોમોબાઈલ હબ તરીકે ઝડપભેર વિકસી રહ્યું છે. જે ઝડપે તેનો વિકાસ થઇ રહ્યો છે તે જોતાં સાણંદ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં સૌથી મોટા ઓટો કેન્દ્ર તરીકે સ્થાન મેળવશે.
છેલ્લા કેટલાક સમયમાં સાણંદની કાયાપલટ થઈ છે. અહીંની હોટેલ્સ વિદેશીઓ સહિતના કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સથી ધમધમી રહી છે. ટાટા મોટર્સની નેનો અને ફોર્ડ મોટર સાણંદમાં પ્લાન્ટ ધરાવે છે અને હોન્ડા મોટર આગામી સમયમાં ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે સક્રિય છે. દેશની સૌથી મોટી કાર ઉત્પાદન મારુતિ સુઝુકીએ પણ ઓછામાં ઓછા બે પ્લાન્ટ માટે અહીં જમીન ખરીદી છે.
સાણંદ, હાંસલપુર અને વિઠલાપુરનો ૧૨૦-૧૩૦ કિલોમીટરનો પટ્ટો આગામી સમયમાં એશિયા-પેસિફિક વિસ્તારનું સૌથી મોટું ઓટો કલસ્ટર બનવાની તૈયારીમાં છે અને કંપનીઓએ અહીં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. અમદાવાદ નજીકના આ વિસ્તારમાં આગામી ૬-૮ વર્ષમાં મારુતિ, ટાટા મોટર્સ, ફોર્ડ ઈન્ડિયા અને હોન્ડા કાર્સ ઈન્ડિયા ૨૨ લાખ પેસેન્જર વ્હિકલ્સનું ઉત્પાદન કરશે એવો અંદાજ છે.
હીરો મોટોકોર્પ તેમ જ હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર્સ ઈન્ડિયા પણ સાણંદમાં ટુ વ્હિલરના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપવાનું વિચારે છે. ગુજરાતની સાનુકૂળ પોલિસી અને પોર્ટ નજીક હોવાના લીધે આ વિસ્તાર ઓટો ઉદ્યોગ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મારુતિના ચેરમેન આર. સી. ભાર્ગવને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે, ‘ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતા, બિઝનેસ કરવામાં સરળતા અને પોર્ટની નજીક હોવાથી અમે ભાવિ રોકાણ માટે સાણંદ ઉપર પસંદગી ઉતારી છે.’
સાણંદમાં આગામી ત્રણથી ચાર વર્ષમાં લગભગ ૧૨.૫ લાખ પેસેન્જર વ્હિકલ્સ અને ૩૦ લાખ ટુ-વ્હીલરના ઉત્પાદન માટે રૂ. ૧૫,૦૦૦-૨૦,૦૦૦ કરોડના રોકાણની જાહેરાત થઈ ચૂકી છે. ૨૦૧૭-૧૮ પછી મારુતિ અને હોન્ડા કાર્સનું વધુ રૂ. ૧૫,૦૦૦ કરોડનું રોકાણ લગભગ નિશ્ચિત છે. આ સાથે સાણંદના ઔદ્યોગિક પટ્ટાની ઉત્પાદન ક્ષમતા માનેસર-ગ્રેટર નોઈડા, મહારાષ્ટ્રના પિમ્પરી-ચાકણ-તાલેગાંવ અને તામિલનાડુના શ્રીપેરમ્બુદર-ઓર્ગાડેમ બેલ્ટને વટાવી જશે.
ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટે કાર્યરત ઇન્ડેક્સ્ટ-બીના અધિકારીઓ કહે છે કે ગુજરાતમાં એક જ સ્થળે તમામ મંજૂરીની પહેલ અન્ય રાજ્યોની તુલનામાં તેને લાભ આપે છે. ઉપરાંત કંપનીઓને પાણી, વીજળી તેમ જ રોડ, રેલ અને પોર્ટ કનેક્ટિવિટીની પણ ખાતરી અપાય છે. આ વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસથી ૧૦૦-૨૦૦ કિલોમીટરના પટ્ટામાં લોકોની સામાજિક અને આર્થિક સ્થિતિમાં ચોક્કસ સુધારો થશે. આથી હાઉસિંગ, સ્કૂલ અને કોલેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન મળશે.
જોકે કેટલાક ફેરફાર તો અત્યારથી જ જોવા મળી રહ્યા છે. આ વિસ્તારની હોટેલ્સનો બિઝનેસ વધ્યો છે. ઉપરાંત, નેનો પ્લાન્ટની જાહેરાતના છ મહિનામાં અહીંથી જમીનના ભાવ વાર દીઠ રૂ. ૧૨૫થી વધીને રૂ. ૨૦૦૦ થઈ ગયા છે. સરકારે ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાર્ક બનાવવા માટે ચાર ગામડાંની જમીન સંપાદિત કરવાની જાહેરાત કર્યા પછી જમીનના ભાવમાં વધુ વધારો નોંધાયો હતો. અત્યારે સાણંદની આસપાસ જમીનનો ભાવ વાર દીઠ લગભગ રૂ. ૫૦૦૦ જેટલો છે.
સાણંદ ખાતેની હોટેલ ક્રિષ્ન લીલાના માલિક ઘનશ્યામ વાઘેલાએ સાણંદ-વીરમગામ નજીકની જમીનના એક ટુકડાનો ઉપયોગ હોટેલ બનાવવા કર્યો હતો. વાઘેલાના જણાવ્યા અનુસાર અમારી હોટેલ શરૂ થઈ એ પહેલાં લોકોને રહેવા અને જમવા માટે અમદાવાદ જવું પડતું હતું. બિઝનેસને જામતાં થોડી વાર લાગી, પરંતુ હવે આ વિસ્તારમાં વધુ પ્લાન્ટ્સ શરૂ થઈ રહ્યા હોવાથી સ્થિતિમાં સુધારો થયો છે.