લંડનઃ કોસ્ટ ઓફ લિવિંગ કટોકટી સહુને નડી રહી છે. સ્વાદિષ્ટ કરીની કિંમત 30 પાઉન્ડ સુધી પહોંચી શકે છે તેમ જણાવતા ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓએ ચેતવણી આપી છે કે આના પરિણામે સેંકડો ભારતીય રેસ્ટોરાં બંધ થવાના આરે આવી જશે.
બર્મિંગહામમાં રેસ્ટોરાંમાલિકોનું પ્રતિનિધિત્વ કરતા 41 વર્ષીય શેલ અહેમદ જણાવે છે કે બિઝનેસ માલિકોની ખરીદીનું બિલ આશરે 40 ટકા વધી ગયું છે. 20 લીટર ઓઈલ-તેલની કિંમત 17 પાઉન્ડથી વધીને 44 પાઉન્ડે પહોંચી ગઈ છે અને રેસ્ટોરાંમાં દર સપ્તાહે આશરે 100 લીટર ઓઈલનો વપરાશ થાય છે. જો આ મુજબ ગ્રાહકો પાસેથી ચાર્જ લેવામાં આવે તો કરીનો ભાવ 25થી 30 પાઉન્ડની વચ્ચે આવે જે ચાલી શકે તેમ નથી.
તેમના અંદાજ મુજબ 10માંથી 7 રેસ્ટોરાંએ બંધ થવાની ફરજ પડશે. તેઓ આમાં સરકારની મદદ ઈચ્છે છે. તેમના કહેવા મુજબ વફાદાર ગ્રાહકો હવે દર સપ્તાહે રેસ્ટોરાંની મુલાકાત લેવાના બદલે મહિનામાં એક વખત આવે છે. આવી પરિસ્થિતિમાં ઘણા બિઝનેસીસ આગામી વર્ષ સુધી નહિ પરંતુ, આ શિયાળા સુધી પણ ચાલી શકે તેમ નથી.