નવી દિલ્હીઃ જાયન્ટ ઇલેક્ટ્રોનિક કંપની સેમસંગ ભારતમાં નવું ઉત્પાદન યુનિટ સ્થાપવા માટે આશરે એક બિલિયન ડોલર સુધીનું રોકાણ કરવા વિચારી રહી છે.
સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ કંપનીનું આ પગલું સરકારની ‘મેક ઈન ઈન્ડિયા’ ઝુંબેશને પણ વેગ આપશે તેમ જણાવતાં સૂત્રોએ ઉમેર્યું હતું કે કંપની સ્માર્ટ ફોન્સ સહિત ઈલેક્ટ્રોનિક ગુડ્ઝના પ્લાન્ટ માટે ગુજરાત, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં પ્લાન્ટ માટે અનુકૂળ જમીન શોધી રહી છે.
સેમસંગના પ્રવક્તાએ કંપનીની યોજનાઓને સમર્થન આપતા જણાવ્યું હતું કે સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ ભારતને મહત્ત્વનું બજાર ગણે છે. કંપની કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને ડ્યુરેબલ્સ બિઝનેસની એક અગ્રણી કંપની છે. ઉપરાંત, ભારતના ટેલિવિઝન અને સ્માર્ટ ફોનના સૌથી મોટા ઉત્પાદક તરીકે અમે મેક ઈન ઈન્ડિયાને ટેકો આપવા કટિબદ્ધ છીએ. અમે ઉત્તર પ્રદેશ સહિત ઘણી રાજ્ય સરકારો સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ. જોકે તેમણે રોકાણની કોઈ વિગતો આપી નહોતી.
સેમસંગ ભારતમાં ૨૦ વર્ષથી હાજરી ધરાવે છે. હાલ તેના પ્લાન્ટ્સ નોઈડા (યુપી) અને તામિલનાડુમાં છે, જ્યાં તે હેન્ડસેટ્સનું ૯૦ ટકા ઉત્પાદન કરે છે. કંપનીના કર્મચારીઓની સંખ્યા આશરે ૪૫ હજાર જેટલી છે. ઉત્તર પ્રદેશ સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સેમસંગના એક્ઝિક્યુટિવ્સને રાજ્યમાં નવા પ્લાન્ટની શક્યતા ચકાસવા કેટલીક બેઠકો કરી છે. ગુજરાત અને તામિલનાડુ રાજ્યનો પણ સેમસંગે સંપર્ક કર્યો છે. જોકે, ઉત્તર પ્રદેશ સરકાર સાથેની વાટાઘાટમાં ઝડપી પ્રગતિ થઈ છે.
વિશ્લેષકોનું કહેવું છે કે, ભારતમાં પ્લાન્ટ સ્થાપવાથી તેને ખર્ચમાં લાભ થશે અને ભારતીય હેન્ડસેટ માર્કેટની માંગ પ્રમાણે સપ્લાય આપવામાં મદદ મળશે. ભારતમાં પ્લાન્ટ સ્થાપવામાં જે રાહતો મળે છે તેનો કંપની લાભ લેવા માંગે છે. ઉલ્લેખનીય છે કે ભારતનું હેન્ડસેટ માર્કેટ વિશ્વમાં સૌથી ઝડપથી વૃદ્ધિ કરતું બીજા ક્રમનું માર્કેટ છે.