સોનાની ચમક સામે સેન્સેક્સનું વળતર ઝંખવાયું

Wednesday 01st January 2025 03:25 EST
 
 

મુંબઇઃ વૈશ્વિક તખતે આકાર લઇ રહેલો તણાવ, ઊંચો ફુગાવા દર અને વ્યાજદરમાં ફેરફારની વિપરિત અસર સોના કરતાં બીએસઇ સેન્સેક્સ પર વધુ જોવા મળી રહી છે. અધૂરામાં પૂરું, ફોરેન પ્રમોશનલ ઇન્વેસ્ટર (એફપીઆઇ)ની રૂ. 1.5 લાખ કરોડની વેચવાલીએ પણ શેરબજારની તેજીને કમરતોડ ફટકો માર્યો છે. આ બધા પરિબળોના પરિણામે એક સમયે સોના કરતાં વધુ વળતર આપનાર સેન્સેક્સમાં વર્ષાન્તે અડધાથી ઓછું વળતર મળ્યું છે. વીતેલા વર્ષે સોનામાં 20 ટકાનું તો બીજી તરફ સેન્સેક્સમાં 8 ટકાનું રિટર્ન નોંધાયું છે.
શેરબજારમાં નીચા વળતર માટે ડોલર સામે રૂપિયામાં ધોવાણ પણ એક કારણ હતું. વર્ષ દરમિયાન અમેરિકન કરન્સી સામે ભારતીય ચલણમાં 3 ટકાનો ઘટાડો જોવાયો હતો. આ માટે પણ એફપીઆઈ જવાબદાર રહી હતી, જેની જંગી વેચવાલીને કારણે ડોલરની ઊંચી માગ રહી હતી. ક્રૂડ મોટા ભાગે 75 ડોલરની આસપાસ અથડાયેલું હોવા છતાં તેનો લાભ ભારતીય કરન્સીને મળ્યો નહોતો.
ત્રણ મહિના પહેલાં એટલે કે સપ્ટેમ્બર અંતે સેન્સેક્સમાં 20 ટકાથી વધુનું રિટર્ન જોવા મળતું હતું, જે ડિસેમ્બર અંતે ઘટીને માત્ર 8 ટકા રહ્યું છે. જ્યારે નિફ્ટી-50માં 8.7 ટકાનું રિટર્ન હતું. સેન્સેક્સ વર્ષના અંતે સાધારણ 109 પોઇન્ટ ઘટી 78,139 બંધ રહ્યો હતો તો સોનું રૂ. 200 ઘટીને રૂ.78,700 રહ્યું હતું. અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા 2025માં માત્ર બે વાર વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાતથી સોનાની તેજી ખોરવાઈ હતી.
 એક લાખે કોણ પહેલાં - સેન્સેક્સ કે સોનું?
વર્ષ 2024ને અંતે સેન્સેક્સ અને સોનું લગભગ સમાન સ્તરે છે. સપ્ટેમ્બર સુધી તો કેટલાક બ્રોકરેજીસ વર્ષાન્ત સુધીમાં જ સેન્સેક્સ એક લાખ થવા વાત કરતાં હતા. જોકે, એફપીઆઇએ બાજી બગાડી. જ્યારે યુદ્ધના અને ફુગાવાના ઊંચા વાતાવરણ વચ્ચે સોનું એક લાખે પહોંચવાની આશા વ્યકત કરાતી હતી. પરંતુ કેટલાક પરિબળોએ બન્નેની રૂ. 1 લાખની આશાને પાછી ઠેલી છે. હવે જોવાનું કે 2025માં એક લાખના સ્તરે પહેલાં સોનું પહોંચે છે કે સેન્સેક્સ?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter