બેંગ્લૂરુઃ ભારતમાં હાઉસિંગ ક્ષેત્રે બહુ ઝડપભેર વિકસી રહેલી સ્ટાર્ટઅપ કંપની હાઉસિંગ ડોટકોમનાં બોર્ડ ઓફ ડાયરેક્ટરે કંપનીના કો-ફાઉન્ડર રાહુલ યાદવને સીઈઓ પદેથી દૂર કર્યા છે.
કંપનીના મુંબઇસ્થિત વડા મથકે બુધવારે યોજાયેલી બોર્ડમિટિંગમાં ચર્ચા બાદ રોકાણકારો, ભાગીદારો અને મીડિયા સાથેના તેમના અયોગ્ય વ્યવહારના પગલે તેમને હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય કરાયો હતો. બોર્ડમાં એવી લાગણી વ્યક્ત થઇ હતી કે તેમનું વર્તન સીઈઓને છાજે તેવું નથી અને તેઓ કંપનીનાં હિતોની વિરુદ્ધ છે તેમ કંપનીની ખૂબ નજીકનાં એક સૂત્રે જણાવ્યું હતું.
આઈઆઈટી-બોમ્બેમાં પોતાનું ભણતર અધૂરું મૂકનાર અને ૨૦૧૩માં પોતાના કોલેજના સાથીઓ સાથે રિઅલ એસ્ટેટનું કામકાજ શરૂ કરનાર યાદવને એ કંપની સાથે હવે કોઈ લેવાદેવા રહેશે નહીં અને તેમને સત્વરે કંપનીની ઓફિસ છોડી દેવા જણાવાયું હતું.
કંપનીના મુખ્ય રોકાણકાર સોફ્ટ બેન્કે કોઇ ધાંધલધમાલ ન થાય તે માટે સ્થાનિક પોલીસને હાજર રાખી હતી, પરંતુ રાહુલ યાદવ કોઈ જ ધમાલ વિના ઓફિસ છોડી ચાલ્યા ગયા હતા.
રાહુલ યાદવે છેલ્લી વાર રાજીનામું આપ્યું તે પછી પ્રોબેશન પર હતા અને રોકાણકારોએ નક્કી કરેલા લક્ષ્યાંક સિદ્ધ કરવામાં તેઓ નિષ્ફળ ગયા તેથી તેમને કંપની છોડી દેવા જણાવાયું હતું, એમ રૂ. ૧૫૦૦ કરોડની કંપનીના એક રોકાણકારે કહ્યું હતું.