મુંબઈઃ એફએમસીજી સેક્ટરની હિંદુસ્તાન યુનિલિવર કંપની (એચયુએલ)ના એક એક્ઝિક્યુટિવની વાર્ષિક કમાણી એક કરોડ રૂપિયાનો આંકડો વટાવી ગઇ છે, પરંતુ કંપનીના સંચાલકોને આ વાતની જરા પણ નવાઇ નથી. તેમના માટે આ બાબક સામાન્ય છે કેમ કે કંપનીના ૧૬૯ એક્ઝિક્યુટિવ્સ એવા છે જેમની વાર્ષિક કમાણીનો આંકડો કરોડોમાં પહોંચે છે. મહત્ત્વની વાત એ છે કે આ તમામ એક્ઝિક્યુટિવ્સમાંથી પચાસ ટકા કરતા વધારે લોકો ૪૦ વર્ષથી નીચેની ઉંમરના છે. એચયુએલની પ્રતિસ્પર્ધી કંપની આઈટીસીમાં આવા કર્મચારીઓની સંખ્યા માત્ર ૨૩ છે, જ્યારે ઇન્ફોસિસમાં આવા ૧૨૩ અને વિપ્રોમાં ૭૦ કરોડપતિ એક્ઝિક્યુટિવ્સ છે.
એચયુએલના વાર્ષિક અહેવાલમાં બહાર આવ્યું કે તેના ૧૬૯ એક્ઝિક્યુટિવ્સ કરોડપતિ છે. આ તમામ લોકો કંપનીના કુલ સ્ટાફના એક ટકા જેટલા જ છે. તેમને દર વર્ષે ૩૧૦ કરોડ જેટલો વાર્ષિક પગાર આપવામાં આવે છે. મેરિકો, ગોદરેજ કન્ઝ્યુમર, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, હેલ્થ એન્ડ હાઇજિન જેવી કંપનીઓ પોતાના તમામ કર્મચારીઓ પર જેટલો ખર્ચ કરે છે તેના કરતાં આ એક્ઝિક્યુટિવ્સનો પગાર વધારે છે.
સીઈઆઈએલ હ્યુમન રિસોર્સિસના ચીફ એક્ઝિક્યુટિવ આદિત્ય નારાયણ મિશ્રાએ જણાવ્યું કે, માર્કેટમાં એચયુએલની ઓળખ માત્ર એફએમસીજી કંપની તરીકે જ નહીં, પણ અલગ પ્રકારની કંપની તરીકે પણ છે. એચયુએલ હંમેશાં એવા કર્મચારીઓની શોધમાં હોય છે જેમનામાં વિશેષ ટેલેન્ટ હોય. અને આવાં લોકોને પેમેન્ટ વધારે કરવું પડે છે, કારણ કે આવાં લોકોની સંખ્યા માર્કેટમાં ઓછી હોય છે.’
ભારતમાં સૌથી વધારે કરોડપતિ કર્મચારીઓ એચયુએલમાં છે. આ કંપનીને ‘સીઈઓ ફેક્ટરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોર્પોરેટજગતને તેણે સૌથી વધારે ૪૦૦ સીઈઓની ભેટ આપી છે.