કેલિફોર્નિયાઃ વિશ્વની સૌથી મોટી કંપનીનું બહુમાન ધરાવતી એપલના નફામાં ૧૩ વર્ષમાં પહેલી વાર પડતી જોવા મળી છે. જાન્યુઆરીથી માર્ચના ક્વાર્ટર દરમિયાન તેની રેવન્યૂ અને નફો બંનેમાં ઘટાડો નોંધાયો છે. ચોથા ત્રિમાસિક ગાળામાં નફો કંપનીનો ૬૯,૮૦૦ કરોડ રૂપિયા રહ્યો હતો, જે ગત વર્ષે ૯૦,૪૦૦ કરોડ રૂપિયા હતો. કંપનીએ પહેલાં સતત ૫૧ ત્રિમાસિક ગાળા સુધી ગ્રોથ મેળવ્યો હતો. પહેલી વાર આઈફોનનું વેચાણ પણ ઘટ્યું છે. ૨૦૦૭માં આઈફોન લોન્ચ થયા બાદ ગત વર્ષે ડિસેમ્બર સુધી તેનું વેચાણ વધ્યું હતું. આઇફોનનું વેચાણ ચીનમાં ૨૬ ટકા ઘટ્યું, જ્યારે ભારતમાં ૫૬ ટકા વધ્યું છે.
૨૬ એપ્રિલે જાહેર થયેલા પરિણામો અનુસાર, કંપનીની રેવન્યૂ ૧૩ ટકા, નફો ૨૩ ટકા અને આઈફોનનું વેચાણ ૧૬ ટકા ઘટ્યા છે. પરિણામની જાહેર કરતાં એપલના સીઈઓ ટિમ કુકે કહ્યું હતું કે, ‘અમે અમારી જ સફળતાનો શિકાર થઇ ગયા છીએ.’ જોકે તેમણે ડિસેમ્બરનાં ત્રિમાસિક પરિણામો વખતે આની આશંકા વ્યક્ત કરી હતી. પરિણામ આવ્યાના કલાક બાદ કંપનીના શેર ૮ ટકા જેટલા ગગડી ગયા હતા.
એપલ પોતાની સફળતાનો ભોગ બની છે એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે ૨૦૧૪માં લોન્ચ થયેલા આઇફોન-૬ને બહુ મોટી સફળતા મળી હતી. આ સફળતાનું પુનરાવર્તન મુશ્કેલ છે, પરંતુ ઘટાડો કામચલાઉ છે. આ સમય પણ પસાર થઇ જશે. એપલનું ભવિષ્ય ઉજ્જવળ છે. સર્વિસીસનું વેચાણ ૨૦ ટકા વધ્યું છે.
કૂકે કહ્યું હતું કે ભારતમાં આઇફોનનું વેચાણ ૫૬ ટકા વધ્યું છે, પરંતુ અહીં ઘણી મુશ્કેલીઓ પણ છે. તેમણે કહ્યું કે ભારત ત્રીજું સૌથી મોટું સ્માર્ટફોન બજાર છે, પરંતુ અહીં સસ્તા ફોનનો દબદબો છે. દેશમાં હજી પણ ટુજી અને થ્રીજી નેટવર્ક છે. તેમાં આઇફોન સારી રીતે પરફોર્મ કરી શકતો નથી. ભારત ત્યાં છે જ્યાં ચીન ૧૦ વર્ષ પહેલાં હતું. અમેરિકામાં મોબાઇલ સેવા આપનારી કંપનીઓ ફોન વેચે છે. ભારતમાં આવું નથી. અહીં રિટેલ ફોન બજાર છે.
વેચાણમાં ઘટાડાનાં ત્રણ મુખ્ય કારણ
• કંપની નવી પ્રોડક્ટ લાવવામાં નિષ્ફળ નીવડી છે. કૂકના નેતૃત્વમાં માત્ર એપલ વોચ લોન્ચ થઇ છે. • સામાન્ય લોકો માટે આઇફોન મોંઘો છે. દુનિયામાં તેનો શેર ૨૦ ટકાથી પણ ઓછો છે. • ૨૦૧૫માં કોઇ નવી હોટ પ્રોડક્ટ આવી નથી. આઇફોન-૬-એસ આઇફોન-૬ કરતા થોડોક બહેતર હતો.
એપલનું સરવૈયું આંકડાઓમાં
• નફો: ૯૦,૪૦૦ કરોડ રૂપિયાથી ઘટીને રૂ. ૬૯,૮૦૦ કરોડ થયો. મતલબ કે ૨૦ હજાર રૂ. ૬૦૦ કરોડનો ઘટાડો. • કમાણી: રૂ. ૩.૮૫ લાખ કરોડથી ઘટીને રૂ. ૩.૩૬ લાખ કરોડ થઇ એટલે કે રૂ. ૪૯ હજાર કરોડનો ઘટાડો થયો. • વેચાણ: આઈફોન-૫નું વેચાણ ૬.૧૧ કરોડથી ઘટીને ૫.૧૧ કરોડ એટલે કે એક કરોડ ફોન ઓછા વેચાયા ત્રિમાસિક ગાળામાં.