મુંબઈઃ ૭૦૦ કરોડ રૂપિયાના ગોટાળામાં ૨૪ વર્ષ બાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપ્યો છે જેમાં ‘બિગ બુલ’ હર્ષદ મહેતાના ભાઇ સહિત અન્યોને દોષિત ઠેરવાયા છે. દોષિતોમાં હર્ષદ મહેતાના ભાઇ ઉપરાંત બેંકના અધિકારીઓ અને સ્ટોક બ્રોકરોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે આ કૌભાંડના મુખ્ય આરોપી હર્ષદ મહેતાનું ૨૦૦૨માં મૃત્યુ થયું હતું ત્યારબાદ તેની વિરુદ્ધનો કેસ બંધ કરી દેવાયો હતો. દોષિતોએ દલીલ કરી હતી કે તેઓ કેટલાક દાયકાઓથી શારીરિક અને માનસિક સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે, એટલે તેમને માફ કરી દેવામાં આવે. જોકે જસ્ટિસ શાલિની ફણસલકર જોશીએ દલીલ ફગાવી દીધી હતી. ન્યાયાધીશે કહ્યું હતું કે એ વાત સાચી છે કે ગુનો વર્ષો પહેલાનો છે, પણ તેની ગંભીરતા પણ સમજવી પડે તેમ છે. કોર્ટે હર્ષદ મહેતાના સગા ભાઇ સુધીર મહેતા, પિતરાઇ ભાઇ દીપક મહેતા ઉપરાંત નેશનલ હાઉસિંગ બેંકના અધિકારી સી. રવિકુમાર તથા સુરેશ બાબુ, એસબીઆઇના અધિકારી આર. સીતારમન અને સ્ટોક બ્રોકર અતુલ પારેખને દોષિત ઠરવ્યા છે. દોષીઓને છ મહિનાથી માંડીને ચાર વર્ષ સુધીની સજા થઇ શકે છે.