નવી દિલ્હીઃ સરકારી કંપની એર-ઈન્ડિયાએ ૨૦૧૩માં યુપીએ સરકારના શાસનકાળ દરમિયાન શા માટે જંગી ખોટ ખાઈને પાંચ બોઈંગ ૭૭૭ વિમાન એતિહાદને વેચી નાખ્યા હતા તે અંગે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)એ નાગરિક ઊડ્ડયન મંત્રાલય પાસે જવાબ માંગ્યો છે.
મંત્રાલયના અધિકારીએ નામ ન આપવાની શરતે એક અખબારને જણાવ્યું હતું કે ‘કેગ’ તરફથી બે મુદ્દે વિગત માંગવામાં આવી છે. એક, ૨૫ વર્ષ સુધી ઊડી શકે તેવા વિમાનોનો માત્ર છ વર્ષ ઉપયોગ કરીને શા માટે વેચી નાખવામાં આવ્યા. અને બીજું, આ વિમાનો પાછળ થયેલા ખર્ચ કરતાં શા માટે તેનું વેચાણ ઘણા નીચા ભાવે કરવામાં આવ્યું હતું? નોંધનીય છે કે એતિહાદ દ્વારા એર-ઈન્ડિયા પાસેથી ૩૫ કરોડ ડોલરમાં પાંચ બોઈંગ-૭૭૭-૨૦૦ ખરીદવામાં આવ્યા હતા.
તે સમયેમીડિયામાં ઘણા અહેવાલો છપાયા હતા અને ભૂતપૂર્વ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વિનોદ રાયે ૨૦૧૪માં તેમના પુસ્તક ‘નોટ જસ્ટ એન એકાઉન્ટન્ટ’માં તેનો ઉલ્લેખ પણ કર્યો હતો. રાયે પુસ્તકમાં લખ્યું હતું કે, ૨૦૧૫માં એક વિમાન ખરીદવા માટે રૂ. ૧૩૦૦ કરોડ ખર્ચ્યા પછી માત્ર પાંચ વર્ષની જ અંદર તેને રૂ. ૪૨૭ કરોડ જેટલા ઓછા ભાવે શા માટે વેચવામાં આવ્યા હતા?
કેટલાક અહેવાલોમાં એવું પણ જણાવાયું હતું કે એર-ઈન્ડિયાએ પ્રત્યેક વિમાન પાછળ તેની ખરીદકિંમત કરતાં રૂ. ૫૦૦ કરોડથી પણ વધારે ખોટ ખાધી હતી. એર-ઈન્ડિયાએ તે વખતે જણાવ્યું હતું કે લાંબા અંતરના વિમાનો ફ્યુઅલની બાબતમાં કાર્યક્ષમ નહોતા અને આ વિમાનો પર કંપની તેની વિદેશની ફ્લાઈટ્સ (અમેરિકા અને જાપાન)માં ભારે ખોટ કરતી હતી. અમેરિકાની પ્રત્યેક ફ્લાઈટ પાછળ રૂ. ૧ કરોડની જંગી ખોટ જતી હતી.