નવી દિલ્હીઃ ‘ભારતના સ્ટીલમેન’ ગણાતા જમશેદ જે. ઇરાનીનું જમશેદપુર ખાતે નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા. ટાટા સ્ટીલ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. ‘અત્યંત દુઃખની લાગણી સાથે જણાવીએ છીએ કે પદ્મભૂષણ ડો. જમશેદ જે. ઇરાનીનું નિધન થયું છે.’ ઇરાનીએ 31મી ઓક્ટોબરે મોડી રાત્રે ટાટા મેઇન હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા હતા. તેઓ જૂન-2011માં ટાટા સ્ટીલના બોર્ડમાંથી નિવૃત થયા હતા. આ સાથે ઇરાની 43 વર્ષનો વારસો ભવ્ય વારસો મૂકીને ગયા છે. જેમાં તેમને અને કંપનીને અનેકવિધ ક્ષેત્રોમાં મળેલા આંતરાષ્ટ્રીય સન્માનનો પણ સમાવેશ થાય છે. જમશેદ ઇરાની તેમની પાછળ પત્ની ડેઇઝી ઇરાની તેમજ ત્રણ સંતાનો ઝુબિન, નીલોફર અને તનાઝને શોકમગ્ન છોડી ગયા છે.
ટાટા સ્ટીલે જણાવ્યું હતું કે, ‘તેમને એક દીર્ઘ દૃષ્ટા લીડર તરીકે યાદ રાખવામાં આવશે. તેમણે નેવુંના દાયકાની શરૂઆતમાં ભારતના આર્થિક ઉદારીકરણના તબક્કામાં ટાટા સ્ટીલનું સફળ નેતૃત્વ કર્યું હતું. તેમણે ભારતના સ્ટીલ ઉદ્યોગની વૃદ્વિ અને વિકાસમાં ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.’ ઇરાનીના નિધન અંગે શોક વ્યક્ત કરતા ટાટા સન્સના ચેરમેન અને ચંદ્રસેકરને જણાવ્યું હતું કે, ‘ઇરાની ટાટાની અનિવાર્ય જરૂરિયાત હતા. સ્ટીલ ઉદ્યોગના વિકાસમાં તેમનું યોગદાન ચાવીરૂપ રહ્યું છે. ટાટા ગ્રૂપના તમામ લોકોને ડો. ઇરાનીની ખોટ ખાલશે.’ બીજી જૂન 1936ના રોજ મહાહરાષ્ટ્રના નાગપુર ખાતે જન્મેલા જમશેદ ઇરાનીને નાગપુરની સાયન્સ કોલેજમાંથી 1956માં બીએસસી અભ્યાસ પૂરો કર્યો હતો.