નાણાં મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે ‘સેઇલ’નો પાંચ ટકા હિસ્સો પ્રતિ શેર ૮૩ રૂપિયાના ભાવે વેચીને સરકાર ૧૫૦૦થી ૧૭૦૦ કરોડ ઉભા કરવાની આશા રાખે છે. નવી સરકાર દ્વારા જાહેર સાહસની કંપનીના શેર વેચવાનો આ પ્રથમ પ્રસંગ છે. સરકારે શુક્રવારથી ઓફર ફોર સેલનો પ્રારંભ કર્યો છે.
પશ્ચિમ બંગાળના બર્નપુર ખાતે આવેલો ‘સેઇલ’ પ્લાન્ટના શેર તળિયાના ભાવે વેચાણમાં મૂકવાથી ‘સેઇલ’ના હાલના ભાવ કરતા ખરીદનારને ૨.૭૫ ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. કુલ વેચાણના ૧૦ ટકા શેર રીટેલ ગ્રાહકો માટે અનામત રખાશે.
ઉલ્લેખનીય છે કે, સરકારે સેઇલના ૧૦.૮૨ ટકા શેર વેચવાનો નિર્ણય ૨૦૧૨માં લીધો હતો, તે મુજબ પ્રથમ તબક્કામાં ૫.૮૨ ટકા શેર માર્ચ ૨૦૧૩માં વેચાણમાં મૂક્યા હતા. બાકીનો પાંચ ટકા હિસ્સો હવે વેચાશે.
નોંધનીય છે કે મોદી સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા કુલ રૂ. ૧૬,૦૦૦ કરોડ એકઠા કરવાનું નક્કી કર્યું છે.