'ગુજરાત સમાચાર' તેમજ 'VHP ઇલફર્ડ'ના સહયોગથી વડિલો તેમજ શ્રવણ જેવા સંતાનોનું સન્માન કરાયું

- કમલ રાવ Tuesday 22nd March 2016 15:49 EDT
 

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ 'વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડ'ના સહયોગથી સંસ્થાના ઇલફર્ડ સ્થિત હોલ ખાતે માતા પિતા કે આપણા અન્ય વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા ૨૨ જેટલા સંતાનો અને સ્વજનોના સન્માન કરવાના નવતર કાર્યક્રમ 'શ્રવણ સન્માન' અને આપણા સૌ માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરનાર ૮૦ વર્ષ કરતા વધુ વયના ૫૬ જેટલા વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન શનિવાર તા. ૧૯મી માર્ચ ૨૦૧૬ના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કી-નોટ સ્પીકર તરીકે અમદાવાદથી ટ્રાઇડન્ટ ઇન્ડિયા લી.ના એમડી અને ચેરમેન તેમજ શ્રવણ સન્માન માટે પ્રેરણા આપનાર શ્રી જતીનભાઇ પારેખ, રેડબ્રિજ કાઉન્સિલના નેતા કાઉન્સિલર જસ અઠવાલ મુખ્ય મહેમાન તરીકે તેમજ કાઉન્સિલર દેવ શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ભક્તિ ગીત 'ભૂલો ભલે બીજુ બધું મા બાપને ભૂલશો નહિં'ના ગાન સાથે મંચ પરથી ઉપસ્થિત સૌ અગ્રણીઅોએ સૌ સન્માનનીય વડિલોની આરતી ઉતારતા ભાવવિભોર દ્રશ્ય જોઇ હોલમાં ઉપસ્થિત સૌની આંખો ભીની થઇ ગઇ હતી. કાર્યક્રમનો વિધિવત પ્રારંભ વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડના સેક્રેટરી દર્શન લાલ ચોઢાએ દીપ પ્રગટાવીને ટૂંકમાં પ્રવચન આપી સૌનું સ્વાગત કર્યુ હતું.

કાર્યક્રમના કો-અોર્ડીનેટર અને 'ગુજરાત સમાચાર'ના ન્યુઝ એડિટર કમલ રાવે કાર્યક્રમ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે "આપણા સૌના સુખ માટે પોતાનું સર્વસ્વ હોમી દેનાર વડિલોના જીવનમાં અનેરા રંગ પૂરવાના અભિગમ સાથે આજથી ૫ વર્ષ પૂર્વે હેરોના સંગત સેન્ટર ખાતે ૮૫ વર્ષ કરતા વધુ વયના વડિલોનું સન્માન કરવાના કાર્યક્રમથી શરૂઆત થઇ હતી. તે પછી હેરો, ક્રોયડન, લેસ્ટર, પ્રેસ્ટન અને માંચેસ્ટર ખાતે વડિલ સન્માન કાર્યક્રમોના આયોજન થયા હતા, જેમાં ૫૦૦ કરતાં વધારે વડિલોના સન્માન કરવામાં આવ્યા હતા. છ માસ પહેલા લંડન પધારેલા શ્રી જતીનભાઇ પારેખે આપેલી પ્રેરણાના પગલે માતા - પિતા અને વડિલોની આનંદ ઉલ્લાસભેર સેવા કરતા શ્રવણ જેવા સંતાનોનું સન્માન કરવાના પ્રથમ કાર્યક્રમનું આયોજન થઇ રહ્્યું છે.”

શ્રી જતીનભાઇ પારેખે મનનીય પ્રવચન આપતાં જણાવ્યું હતું કે "માણસ ગમે તેટલું કરે પરંતુ જો તેના કાર્યોને માન્યતા કે મોટીવેશન મળે તો તેને આવા વધુ કાર્યો કરવાની પ્રેરણા મળે છે. મને ખૂબ જ ગર્વ થાય છે કે આજે જે વિચાર અમલી બન્યો છે તે ઘણો આગળ સુધી ચાલશે અને મારી 'ગુજરાત સમાચાર'ને આ માટે શુભેચ્છાઅો છે. દુનિયામાં જન્મ લેતો દરેક માણસે ડોક્ટર, વૈજ્ઞાનિક, શિક્ષક વગેરે બનશે પરંતુ તેની સફળતા પાછળ તેના માતા પિતાનો સહયોગ ઘણો મોટો હોય છે. આ માતા-પિતાની ઇચ્છા પૂરી કરવાથી જે સંતોષ અને શાંતિ મળે છે તે કરોડો રૂપિયા કમાવાથી નથી મળતાં. માતા પિતા પાળી પોષીને મોટા કરી એક ઉંચા સ્થાને પહોંચાડે છે. મા એક એવી વ્યક્તિ છે જે મારે છે જરૂર, પણ માર ખાવા દેતી નથી. તે ભુખી રહીને તમને ખાવાનું ખવડાશે. બેટા તું આવી ગયો તે શબ્દો પછી કદી સાંભળવા મળશે નહિં. માતા પિતાનું યોગદાન સૌથી મોટું છે. માતા પિતાને આપણી ચામડીના જુતા પહેરાવો તો પણ અોછા પડે તેમ છે.'

શ્રી જતીનભાઇએ વધુમાં જણાવ્યું હતું કે 'આપણે જન્મ લઇએ છીએ ત્યારે ૬ પાઉન્ડના હોઇએ છે. માતા આપણને નવ માસ સુધી ગર્ભમાં રાખે છે. પણ આપણને જો કોઇ છ પાઉન્ડનું વજન પેટે બાંધીને કોઇ રાખવાનું કહે તો કોઇ તેમ કરી શકે નહિં. બીજા છે ગુરૂજી, જેઅો આપને ભણાવે છે અને તેના બળે આપણે ઊંચા આસને બેસીએ છીએ. ત્રીજો છે સમાજ. સમાજનું યોગદાન ખૂબ જ છે. સમાજ જ તમને શાળા, કોલેજ, હોસ્પિટલ અને લાયબ્રેરી સહિત ઘણી સુવિધા આપે છે. આ ત્રણ બાબતોને કદી કોઇએ ભૂલવી જોઇએ નહિં. તેમના ખૂબ જ ઉપકાર છે. તમે ઉંચા મુકામે પહોંચો ત્યારે આ ત્રણ સંસ્થાનોને ભુલશો નહિં. માતા પિતાના ઉપકારો આપણા પર અગણિત છે, તમે તેમને સંતોષ ન આપ તો ચાલશે પરંતુ કદી મુશ્કેલી ન આપશો. હું આવા સુંદર કાર્યક્રમ બદલ ગુજરાત સમાચાર અને આપ સૌ આયોજકોનો અભારી છું અને જેમને સન્માન આપવામાં આવે છે તે સૌને અભિનંદન આપું છું.'

વિશ્વ હિન્દુ પરિષદના મદદનીશ સેક્રેટરી શ્રી અલોકભાઇ ઉપાધ્યાયે મંદિર વિષે માહિતી આપતાં જણાવ્યું હતું કે 'મંદિર અને સંસ્થા દ્વારા વિવિધ ભાષાના વર્ગો ચલાવવામાં આવે છે અને લગ્નોત્સવુક યુવક યુવતીઅોના પરિચય મેળાવડાનું આયોજન કરવામાં આવે છે. મંદિર દ્વારા આ ઉપરાંત વિવિધ સમાજ સેવાના કાર્યો પણ કરવામાં આવે છે. તાજેતરમાં જ મંદિર નજીકની જગ્યાની ખરીદવામાં આવી છે અને તેને માટે ઘણા દાતાઅોએ ઉદાર હાથે સહયોગ આપ્યો છે અને અમુક અગ્રણીઅોએ મંદિરને વ્યાજ મુક્ત લોન પણ આપી છે. વિવિધ સેવા કાર્યો કરતી આપણી સંસ્થાને અત્યારે આપ સૌના ઉદાર દાનની ખૂબ જ જરૂર છે અને હું આ પ્રસંગે આપણા સમુદાયના સર્વેને ઉદાર હાથે દાન કરવા નમ્ર વિનંતી કરૂ છું. આ મંદિર આપ સૌનું છે અને મંદિર તેમજ સંસ્થા દ્વારા કરાતી સેવાઅોનો લાભ લેવા આપને નમ્ર વિનંતી છે.'

વડિલ સન્માન કાર્યક્રમના પ્રેરણાસ્ત્રોત અને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના તંત્રી શ્રી સીબી પટેલે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે "હું અહિં પધારેલા શ્રી બીએન ભનોટ અને તેમના પત્નીને ૪૦ વર્ષોથી જાણું છું અને શ્રીમતી ભાનોટે મને જમાડ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ અહિં ખૂબ જ મહત્વપૂર્ણ સેવા કરી રહ્યું છે. આજે પીએ સીસ્ટમ ખોટકાતા પિયુશભાઇ મહેતા ભગવાન બનીને મદદેે આવ્યા હતા. ઘણી વખત વડિલોને નજરઅંદાજ કરવામાં આવે છે. જો તમે તમારા પેરેન્ટસને ભૂલશો તો તમારા બાળકો પણ તમને ભૂલી જશે. જતીનભાઇ છેક ભારતથી આવ્યા છે. જતીનભાઇ શ્રવણ સન્માન કાર્યક્રમ માટે તમારો આભાર માનુ છું. નિશીત અહિં છે તેને તકલીફ છે પણ ખરેખર અહિં સાચુ રામ રાજ્ય છે. નિશીતની સંભાળ રાખનાર નર્સો ડેનીસ અને આલ્બર્ટ અહિં છે. રાજ્ય ઘણી બધી સગવડ આપે છે. આપને તેમાંથી શિખવાનું છે. વે મેડવાળા ભીખુભાઇ અને વિજયભાઇ તેમના માતા શાંતાબાની ખૂબજ સારી સેવા કરે છે. જલારામ પ્રાર્થના મંડળના ચેરમેન પ્રમોદભાઇ નર્સિંગહોમ દ્વારા સેવા કરે છે. જતીનભાઇએ તેમના પ્રવચનમાં ખૂબ જ સરસ બાબતો કહી છે. મંદિરો સમાજ માટે ખૂબજ જરૂરી છે. આ કાર્યક્રમ માટે સહયોગ આપનાર વિશ્વ હિન્દુ પરિષદ અને તેના અગ્રણીઅોનો અભાર માનું છું. કમલ રાવ અને કોકિલાબેનને આવા સુંદર કાર્યક્રમ બદલ ધન્યવાદ આપું છું.'

કાઉન્સિલર દેવ શર્માએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં પધારતાં મને ગર્વ સાથે આનંદ થાય છે. ભારતમાં પોતાના વડિલોના આદર સત્કાર અને તેમની સેવા સુશ્રુષાની પરંપરા છે. આ જ પરંપરાનું આપણે સૌ અનુસરણ કરી રહ્યા છીએ. જે પરંપરા પેઢી દર પેઢી ચાલ્યા કરે છે અને યુવાનો પણ તેમાંથી પ્રેરણા લે છે. આપણી પરંપરા મુજબ સર્વશ્રેષ્ઠ ભક્તિ તે સેવા છે. ઘરથી આ સેવાની શરૂઆત થાય છે અને તેનો કોઇ જ વિસ્તાર નથી. આ માટે જ તો આપણા શાાસ્ત્રોમાં ક્હું છે કે 'માતૃ દેવો ભવ' અને 'પિતૃ દેવો ભવ', માતા પિતાથી કોઇ મોટા દેવ નથી. આવા સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડનો આભાર વ્યક્ત કરૂ છું.'

દેશના સૌથી યુવાન કાઉન્સિલ નેતા રેડબ્રિજ કાઉન્સિલના લીડર જસ અઠવાલે 'કેમ છો'થી પોતાના મનનીય પ્રવચનની શરૂઆત કરતાં જણાવ્યું હતું કે 'આપણા યુવાધન દ્વારા ખૂબજ સરસ સમાજ સેવા કરવામાં આવે છે અને તેમનામાં સમાજ સેવાના સારા સંસ્કાર ઉતરેલા છે. આજે આ કાર્યક્રમને જોતાં મને લાગે છે કે આજે પણ આપણી સેવાની પરંપરા મજબૂત બનીને ઉભી છે. આપણા સમાજમાં હજુ પણ લાકો એ દરકાર રાખે છે કે તેમના સગાં સ્વજનોની જીંદગીની ગુણવત્તા સારી બની રહે. મને આનંદ છે કે રેડબ્રિજ વિસ્તારમાં સેવાની સુવાસ મહેંકતી રહે છે. પોતાના પરિવારની સેવા કરતા સૌનો હું આદર કરુ છું અને તેમને શુભેચ્છા પાઠવું છું. હું વિશ્વ હિન્દુ પરિષદ મંદિર, ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'નો અનસંગ હિરોના સન્માન કરવા બદલ આભાર વ્યક્ત કરૂં છું.

'ગુજરાત સમાચાર'ના મેનેજીંગ એડિટર શ્રીમતી કોકિલાબેન પટેલે 'ગુજરાત સમાચાર'ના જ એક સદસ્ય અને તાજેતરમાં જ અવસાન પામેલા પોતાના માતુશ્રી મણીબાની તન, મન અને ધનથી સેવા કરનાર શ્રી સુરેન્દ્રભાઇ પટેલ, અસક્ષમ નિશીત શાહના માતા પિતા શ્રી દિલીપભાઇ અને પન્નાબેન શાહ તેમજ દિકરી થઇને પિતા ગોરધનદાસ પટેલ MBE અને માતા કમળાબેનની સેવાઅો કરનાર શ્રીમતી રાજેશ્રીબેન અને તેમના પતિ હિતેશભાઇએ કરેલી સેવાઅો બદલ તેમને અપાનાર શ્રવણ સન્માન પત્રનુ ભાવવાહી શબ્દોમાં વાંચન કરી તેમની સેવાઅોને બિરદાવી હતી.

કાર્યક્રમમાં સન્માનીત વડિલો તેમજ તેમના પરિવારજનોએ પણ ઉદાર હાથે મંદિરના સત્કાર્યો માટે યથાશક્તિ આર્થિક ફાળો જમા કરાવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા મોનાબેન કેઇન્થે પ્રાર્થના રજૂ કરી હતી. જ્યારે શ્રીમતી વિનયાબેન શર્મા, શીલાબેન રૂપલ, દર્શન લાલ ચોઢા અને મનમોહન ભલ્લાએ ગુરૂમંત્ર, ભોજન મંત્રનું ગાન કર્યું હતું. કાર્યક્રમના અંતે શ્રી મનોમહન ભલ્લાએ કાર્યક્રમમાં સહયોગ આપનાર અને છેલ્લા સમયે સાઉન્ડ સીસ્ટમની વ્યવસ્થા કરનાર શ્રી યોગેશભાઇ મહેતા (સેવનકિંગ્સ)નો આભાર વ્યક્ત કર્યો હતો.

શ્રવણ સન્માન અને વડીલ સન્માન કાર્યક્રમના બધાજ ફોટા ઇન્ટરનેટ પર જોવા http://www.sharadraval.com/photos/sanman/ લીન્ક પર ક્લિક કરવા વિનંતી.

(તસવીર સૌજન્ય: શરદભાઇ રાવલ www.sharadraval.com)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter