નોર્થ વેસ્ટ લંડનના નીસડન ખાતે આવેલા અને દુનિયાની આઠમી અજાયબી જેવા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરની સ્થાપનાના ૨૦ વર્ષની શાનદાર ઉજવણી ગત તા. ૨૨ અને ૨૩ અોગસ્ટના રોજ કરાઇ હતી. બે દિવસ દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં યુરોપ, ઇસ્ટ આફ્રિકા, અમેરિકા, કેનેડા તેમજ યુકેના વિવિધ નગરોમાંથી હરિભક્તો ઉમટી પડ્યા હતા. મંદિરની સ્થાપનાની ૨૦મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું શાનદાર આયોજન કરાયું હતું.
અોગસ્ટ ૧૯૯૫માં પ્ર. બ્ર. પૂ. પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા જેનો શુભારંભ થયો હતો તે BAPSશ્રી સ્વામિનારાયણ મંદિર, નીસડન આજે ૨૦ વર્ષમાં બ્રિટન જ નહિં યુરોપમાં વસતા સામગ્ર હિન્દુ સમુદાયની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. વિદેશ અને ખાસ કરીને યુરોપની ધરતી પર જ્યારે હિન્દુઅો પોતાની જાતને એકલા અનુભવતા હતા ત્યારે પ. પૂ. યોગીજી મહારાજે લંડનની ધરતી પર ભારત બહારનું સૌ પ્રથમ વિશાળ અને પારંપરીક મંદિર બાંધવાનું સ્વપ્ન જોયું હતું. જેને પ્ર. બ્ર. પૂ. પ્રમુખ સ્વામી મહારાજે સાકાર કર્યું. આજે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર માત્ર આસ્થાના પ્રતિક તરીકે જ નહિં શિક્ષણ, સેવા અને સમર્પણની ભાવના સાથે બ્રિટનના દરેક ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહ્યું છે.
તા. ૨૨-૨૩ના રોજ BAPS સ્વામિનારાયણ મંદિરની હવેલીમાં યોજાયેલ શાનદાર અને મનોરમ્ય ઉજવણીના પ્રારંભે એક કિશોર સુંદર રીતે સુશોભિત કરાયેલ દિવો પકડીને મંદિરમાં ઉભો હતો અને તેજ સમયે દરવાજા ખુલે છે અને સભાખંડના સ્ટેજ પર વિશાળ પડદા પર ભગવાન સ્વામિનારાયણની મનોરમ્ય મૂર્તિના સૌને દર્શન થાય છે. તેજ સમયે તે કિશોર પ્ર. બ્ર. પૂ. પ્રમુખ સ્વામી મહારાજના ચિત્ર સમક્ષ દિવો અર્પણ કરે છે. તે કિશોર અને શ્વાસ અધ્ધર કરી દે તેવા વિડીયો ક્લીપ્સ દ્વારા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની સ્થાપનાના ૨૦ વર્ષની શાનદાર ઉજવણીનો પ્રારંભ થયો હતો.
BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરની સ્થાપનાના ૨૦ વર્ષની શાનદાર ઉજવણી પ્રસંગે તા. ૨૨-૨૩ અોગસ્ટના રોજ યોજાયેલા ભવ્ય સમારોહમાં સદગુરૂ પૂ. મહંત સ્વામી (પૂ.કેશવજીવન સ્વામી), સદગુરૂ પૂ. ઇશ્વરચરણ સ્વામી અને પૂ. આત્મસ્વરૂપ સ્વામી સહિત ભારતથી પધારેલા અને લંડન મંદિરના સંતમંડળની નિશ્રામાં ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે થ્રી-ડાયમેન્શનલ પ્રોજેક્શન મેપીંગ, અદ્ભુત વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને શ્રેણીબધ્ધ વિડીયો પ્રેઝન્ટેશન અને આત્માને ઢંઢોળતા પ્રવચનોએ વિશેષ આકર્ષણ ઉભુ કર્યું હતું, તો નૃત્યો રજૂ કરતા બાળકો તેમજ કિશોરોના વિશાળ વૃંદ અને અન્ય કાયર્કરોની ટીમે રજૂ કરેલ મંદિરની સ્થાપનાના ઇતિહાસ અને યાદોએ ત્રણ કલાકના આ ભવ્ય કર્યક્રમને જીવંત બનાવી દીધો હતો.
પૂ. ઇશ્વરચરણ સ્વામીએ ૧૯૭૦માં પૂ. યોગીજી મહારાજે લંડનની મુલાકાત લીધી ત્યારે લંડનમાં વિશાળ મંદિરની સ્થાપના કરવાના તેમના ભવ્ય સ્વપ્ન તેમજ મંદિર નિર્માણ અને સંપ્રદાયના ઇતિહાસ અંગે માહિતી આપી હતી. પૂ. યોગીજી મહારાજ હતા, જેમણે તે સમયે ભવિષ્ય ભાખ્યું હતું કે લંડનની ધરતી પર ભવ્ય અને વિરાટ મંદિરનું નિર્માણ થશે. પૂ. આત્મસ્વરૂપ સ્વામી અને અન્ય સંતો તેમજ અગ્રણીઅોએ મંદિરના નિર્માણ અને તેના આયોજન માટે હજારો ભક્તો, સ્વયંસેવકો અને શુભેચ્છકોએ આપેલા અદ્ભૂત સમર્પણ, યોગદાન અને સહયોગની યાદો તાજી કરી હતી તેમજ મંદિરના નિર્માણ, તેની શરૂઆતથી લઇને આજ દિન સુધી જેમણે સતત સહયોગ અને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તે સૌની સરાહના કરી હતી.
વિશાળ પડદા પર તા. ૨૦મી અોગસ્ટ, ૧૯૯૫ના રોજ મંદિર મહોત્સવનો પ્રારંભ થયો ત્યારે તે પ્રસંગે વિશાળ સ્ટેજ પર રજૂ થયેલ રંગબેરંગી સંગીતબધ્ધ કાર્યક્રમને પ્રસ્તુત કરાતા આધ્યાત્મિક કંપનનો અનુભવ થયો હતો. મંદિરની પાશ્ચાદભુ સમક્ષ મંદિરમાં થયેલ પ્રથમ આરતીનું દ્રશ્ય ખુબજ મનોરમ્ય હતુ.
સત્સંગીઅો અને સંતોએ છેલ્લા ૨૦ વર્ષ દમરિયાન મંદિર દ્વારા વ્યક્તિઅો, પરિવારો અને સમુદાય પર પડેલી અસરની ભાવનાત્મક પ્રસંશા કરી હતી. તો સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મિડીયા દ્વારા લેવાયેલી નોંધને પણ ધ્યાને લેવાઇ હતી.
આખાય સમારંભનું મુખ્ય આકર્ષણ અંતરમનને સ્પર્શી જાય તેવું મંદિર નિર્માણના પ્રેરક પ્ર. બ્ર. પૂ. પ્રમુખ સ્વામી મહારાજની યાદો તાદ્રશ્ય કરતું ભવ્ય વિડીયો પ્રેઝન્ટેશન હતું. સારંગપુર, ગુજરાતમાં બેઠા બેઠા સમગ્ર કાર્યક્રમને જીવંત સ્વરૂપે જોતા પૂ. પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે સત્સંગીઅોને આશિર્વચન આપ્યા ત્યારે સૌ ગદગદીત થઇ ગયા હતા.
વિવિધ ઉજવણીઅો બાદ ભાવિ તરફ દ્રષ્ટીપાત કરતા પૂ. મહંત સ્વામીએ આગામી ૨૦ વર્ષ અને તેથી વધારે સમય માટે સત્સંગીઅો અને સ્વયંસેવકોને આધ્યાત્મિકતા અને એકતાનો સંદેશ આપ્યો હતો. સમારંભના અંતે જે કિશોરે ઉજવણીની શરૂઆત કરી હતી તેજ કિશોરે પ્રાર્થના રજૂ કરી હતી અને અંતે સમાપન નૃત્ય રજૂ કરાયું હતું. કાર્યક્રમનો અંત પણ સુખદ આવ્યો હતો અને જાહેરાત કરાઇ હતી કે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની સ્થાપનાના ૨૦ વર્ષની શાનદાર ઉજવણીને વધાવી લેવા વેમ્બલી સ્ટેડીયમની સુવિખ્યાત કમાનને પણ ભગવા રંગની લાઇટથી સુશોભિત કરાઇ હતી.