નોર્થ વેસ્ટ લંડનના નીસડન ખાતે ૧૯૮૫માં યોજાયેલ પ્ર. બ્ર. પૂ. પ્રમુખ સ્વામી મહારાજની સુવર્ણ તુલા અને 'કલ્ચરલ ફેસ્ટીવલ અોફ ઇન્ડિયા'ની ૩૦મી જયંતિની શાનદાર ઉજવણી BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, નીસડન ખાતે તા. ૮ અને ૯ અોગસ્ટ ખાતે કરવામાં આવી હતી.
ગત રવિવારે યોજાયેલા મહોત્સવમાં તંત્રી સીબી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ત્રણેક કલાક સુધી સંત મંડળ, કિશોર-કિશોરી, યુવક યુવતીઅો દ્વારા આયોજીત ખૂબ જ સુંદર કાર્યક્રમો - પ્રવચનો વગેરેને હજારો ભક્તજનો સાથે માણ્યા હતા. આ પ્રસંગે પૂ. મહંત સ્વામી, પૂ. ઇશ્વરચરણ સ્વામી, પૂ. આત્મસ્વરૂપ સ્વામી સહિત અન્ય વરિષ્ઠ સંતોને મળવાનો અને ચર્ચા કરવાનો સીબીને લાભ મળ્યો હતો.
આ પ્રસંગે બ્રિટનમાં સ્વામિનારાયણ હિન્દુ મિશનના ખૂબ જ જૂના અને અગ્રણી તેમજ જેમણે સ્વામિનારાયણ સંપ્રદાય અને હિન્દુ ધર્મના પ્રચાર પ્રસાર માટે આફ્રિકામાં મોખરાનું કાર્ય કર્યું હતું તેવા ૯૪ વર્ષના પૂ. હરમાનકાકા (તારાપુર)ને પણ ભોજન વખતે મળ્યા હતા. ઉંમરને કારણે હરવા ફરવામાં થોડી મુશ્કેલી અનુભવતા હરમાનકાકાને તેમનો પૌત્ર વિશાલ વ્હીલચેરમાં લઇ આવ્યો હતો. આ પ્રસંગે સ્વામિનારાયણ મદિરના ટ્રસ્ટીમંડળના સદસ્યો પણ ઉપસ્થિત હતા, જે સૌને પણ મળવાનો લાભ મળ્યો હતો.
'ગુજરાત સમાચાર'ની ગત સપ્તાહની 'જીવંત પંથ' કોલમમાં સીબીએ સ્વામિનારાયણ સંપ્રદાયના પૂર્વ આફ્રિકામાં પગરણના ઇતિહાસને સંક્ષિપ્તમાં રજૂ કર્યો હતો તેમાં પૂ. મગનકાકાના નામની સાથે 'પૂ. હિમા કાકા'ના નામનો ઉલ્લેખ થયો હતો. પાછળથી ફોન કરીને સીબીએ શ્રી વીએચ પટેલની ક્ષમાયાચના કરી હતી. વિનુભાઇના પિતા શ્રી હરમાનકાકા (મૂળ ગાના), મગનકાકા, અને ત્રીજા ત્રિભાકાકા (ત્રિભુવનભાઇ – ભાદરણ)ની ત્રિપુટીના ધર્મપ્રેમ અને પરિશ્રમના પરિણામે BAPS સ્વામિનારાયણ સંસ્થા અને સંપ્રદાય આફ્રિકામાં ખૂબજ જોરદાર પ્રસર્યો હતો. પૂ. હરમાનકાકાને હલનચલનમાં થોડી મર્યાદા છે પણ સ્મૃતિ અને ધર્મ પારાયણતામાં તેઅો આજની તારીખે પણ સાંગોપાંગ છે. પૂ. હરમાન કાકા તે સમયના જુના અગ્રણી સત્સંગીઅો પૈકી એક માત્ર જીવીત સત્સંગી છે.