PIOને આજીવન વિઝા

Friday 05th December 2014 06:37 EST
 
 

વડા પ્રધાને ઓસ્ટ્રેલિયન પ્રવાસીઓ માટે વિઝા ઓન એરાઇવલની સુવિધા શરૂ કરાશે તેવી ખાતરી ઉચ્ચારી હતી તો વિદેશવાસી ભારતીયોને વચન આપ્યું હતું કે તમામ PIO (પર્સન્સ ઓફ ઇંડિયન ઓરિજિન) કાર્ડધારકોને આજીવન વિઝા અપાશે.
મોદીએ વિદેશવાસી ભારતીયોની સુવિધા માટે શરૂ કરાયેલી OCI (ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઇંડિયા) અને PIO (પર્સન્સ ઓફ ઇંડિયન ઓરિજિન) યોજનાનો વિલય કરી ઘણા લાંબા સમયથી થતી માગને પૂરી કરવા બે મહિનાનો સમય માગ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 'મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા તેના ૨૦૧૫માં ૧૦૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે, જે નિમિત્તે આગામી વર્ષે ૭ જાન્યુઆરીના રોજ અમદાવાદમાં પ્રવાસી ભારતીય દિવસનું આયોજન કરાયું છે. આ પ્રવાસી ભારતીય દિવસ સુધીમાં આ બંને સ્કીમનાં મર્જરની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે.

આ સ્કીમનાં મર્જરની ઘોષણા મેં સપ્ટેમ્બરમાં ન્યૂ યોર્કમાં કરી હતી, પરંતુ તે સમયે કોઈ તારીખ નક્કી નહોતી, હાલમાં હું તમને તારીખ સાથે ખાતરી આપી રહ્યો છું.' તેમની આ જાહેરાતને ભારતીયોએ તાળીઓનો ગડગડાટથી વધાવી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે આ બન્ને યોજનાઓથી ભારે ગૂંચવાડો સર્જાતો હતો. વિદેશવાસી ભારતીયો બહુ લાંબા સમયથી માગ કરતા હતા કે આ બન્ને યોજનાને એકબીજામાં વિલીન કરી દઇને તેને વધુ સરળ બનાવવાની જરૂર છે.
રજાનો દિવસ ન હોવા છતાં હજારો લોકોની ભીડ વડા પ્રધાનની એક ઝલક નિહાળવા ઊમટી પડી હતી. નરેન્દ્ર મોદીએ પોતાનાં ભવ્ય સ્વાગત અંગે કહ્યું કે, આ સ્વાગતનો હકદાર હું નહીં, પરંતુ સવાસો કરોડ ભારતીયો છે. લોકોની લાગણીથી ગદગદ વડા પ્રધાને નતમસ્તક થઈને લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્વતંત્ર ભારતમાં જન્મ્યો હોઉં તેવો દેશનો પ્રથમ વડા પ્રધાન હોવાથી મારી જવાબદારી વધી જાય છે.
પોતાની સરકાર દ્વારા લેવામાં આવેલા આર્થિક સુધારાઓની વાત કરતા મોદીએ જણાવ્યું હતું કે હવે ભારત રોકાણ માટે આકર્ષક દેશ બની ગયો છે. રેલવેમાં ૧૦૦ ટકા એફડીઆઇને મંજુરી આપી દેવામાં આવી છે અને હું આશા રાખું છું કે ઓસ્ટ્રેલિયન કંપનીઓ ભારતમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવા માટે મૂડીરોકાણ કરશે.

દેશ માટે જીવીએ
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન તરીકેના છ મહિનાના અનુભવ પરથી મને લાગે છે કે લાખો ભારતીયોની ઇચ્છાઓ પૂર્ણ ન થઇ શકે તે માટેનું કોઇ કારણ મને દેખાતું નથી.
છેલ્લા ૨૮ વર્ષમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આવેલા ભારતના વડા પ્રધાને જણાવ્યું હતું કે દેશની સ્વતંત્રતા માટે લડવાનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી. આપણે દેશ માટે શહીદ થયા નથી, પણ આપણે ભારત માટે જીવી શકીએ છીએ. તેથી આપણે ભારત માટે જીવવું જોઇએ અને સંઘર્ષ કરવો જોઇએ. ઓસ્ટ્રેલિયામાં કાર્યરત ભારતીય સમુદાયને સખત મહેનત કરવા બદલ વડા પ્રધાને અભિનંદન પાઠવ્યા હતાં. તેમણે સ્પોર્ટસ અને શિક્ષણ ક્ષેત્રના અગ્રણી ભારતીય-ઓસ્ટ્રેલિયનોની યાદ પણ તાજી કરી હતી.
ભારતમાં જન-ધન યોજનાનો ઉલ્લેખ કરતા મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૦ સપ્તાહમાં સાત કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમાં કુલ ૫૦૦૦ કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. તેમણે જાહેરાત કરી હતી કે ભારત દ્વારા સિડની કલ્ચરલ સેન્ટરની રચના કરવામાં આવશે અને આગામી ફેબ્રુઆરી-૨૦૧૫ સુધીમાં આ કેન્દ્ર શરૂ કરી દેવામાં આવશે.

દેશ લોકો બનાવે છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, દેશ સરકારના ભરોસે ચાલી ન શકે અને ચાલવો પણ ન જોઈએ. તેમણે કહ્યું કે, દેશને ચલાવવા માટે લોકોને પહેલ કરવા દેવી જોઈએ અને વહીવટી તંત્રે તેમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, 'હું નથી માનતો કે, સરકારો દેશ બનાવે છે, હું માનું છું કે, દેશ સરકારો નહીં, પણ લોકો બનાવતાં હોય છે.’

૨૦૧૯ સુધીમાં સ્વચ્છ ભારત
વડા પ્રધાન મોદીએ ભારતીય મૂળનાં લોકોને સંબોધતાં કહ્યું હતું કે, તેમની સરકારે સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે. દેશને સંપૂર્ણ સ્વચ્છ બનાવવો એ ખૂબ અઘરું કામ છે, પરંતુ જો સવાસો કરોડ દેશવાસીઓ ઇચ્છે તો પોતાની ખરડાયેલી છબી સુધરી શકે તેમ છે. સન ૨૦૧૯માં મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી સુધીમાં ભારતને સ્વચ્છ બનાવવાનું મારું લક્ષ્ય છે, એમ પણ તેમણે કહ્યું હતું.
સ્વચ્છ ભારત અભિયાન પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે જેટલું ભારત સ્વચ્છ હશે તેટલા વધુ વિદેશી પ્રવાસીઓ દેશમાં આવશે.

શીખોના ધરણાં
ઓલફોન્સ અરેનાની બહાર શીખ સમુદાયના કેટલાક લોકોએ ગુજરાતમાં શીખોની ખેતીની જમીન પાછી આપવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે ૧૯૮૪ના શીખવિરોધી રમખાણોના દોષિતોને આકરી સજા આપવા અને અમૃતસરને પવિત્ર નગરીનો દરજ્જો આપવાની પણ માગ કરી હતી.

રોકાણકારોને આમંત્રણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઓસ્ટ્રેલિયાના રોકાણકારોને ભારત આવવાનું આમંત્રણ આપતા જણાવ્યું હતું કે દેશભરમાં પારદર્શક અને સ્પષ્ટ નીતિઓ ઉપરાંત વાતાવરણ અનુકૂળ છે અને બિઝનેસ કરવો સરળ છે.
નરેન્દ્ર મોદીએ પોતાની સરકાર દ્વારા બિનજરૂરી કાયદા અને નિયંત્રણો દૂર કરવા તેમ જ પ્રક્રિયા સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હોવાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તમે બદલાયેલા ભારતનો અનુભવ કરશો. કવીન્સલેન્ડમાં યોજાયેલી બ્રેકફાસ્ટ મિટિંગને સંબોધતાં તેમણે આ લાગણી વ્યક્ત કરી હતી. આ બેઠકમાં ઓસ્ટ્રેલિયાના અનેક ઉદ્યોગપતિઓ હાજર હતાં.
વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે કવીન્સલેન્ડ ભારતના વિકાસ, ઉર્જા, ખનીજ સંશાધન, કૃષિ તેમ જ ખાદ્ય સુરક્ષા, શિક્ષણ અને આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter