લંડનઃ બ્રિટનમાં એક એવી પોલિસી લાગુ થઇ રહી છે જે ત્યાં રહેતા અનેક મુસ્લિમ પરિવારોને સંભવતઃ વેરવિખેર કરી નાખશે. વડા પ્રધાન ડેવિડ કેમરન દ્વારા તાજેતરમાં જ દેશની નવી પોલિસીને મંજૂરી આપવામાં આવી છે, જેના હેઠળ બ્રિટનમાં બે વર્ષ કે તેથી વધુ સમયથી રહેતી મુસ્લિમ મહિલાઓએ લેંગ્વેજ ટેસ્ટ આપવી પડશે અને તેમાં તેઓ સફળ થશે તો જ તેમને બ્રિટનમાં રહેવાની અનુમતિ આપવામાં આવશે.
કેમરને જણાવ્યું કે, બ્રિટનમાં નવી વિઝા પોલિસી લાગુ કરાઇ રહી છે. પોલિસી હેઠળ પોતાના પતિ અથવા પરિવાર સાથે બે કે તેથી વધુ વર્ષથી રહેતી મુસ્લિમ મહિલાઓએ સાબિત કરવું પડશે કે, તેઓ અંગ્રેજી સારી રીતે જાણે છે. માપદંડ અનુસાર જે મહિલા નિયત પોઇન્ટ નહીં મેળવે તેણે દેશ છોડી જવો પડશે. આ લોકોને બ્રિટનમાં રહેવા દેવાશે નહીં.
એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, ઘણાં વર્ષોથી અહીં આવીને રહેતી હોય અને બાદમાં માતા બની હોય તેવી મહિલાઓને આ નિયમ લાગુ થશે કે નહીં તે અંગે કંઈ કહી શકાય નહીં. આ મહિલાઓ રહી શકશે કે નહીં તેની ખાતરી અપાય નહીં.
સરકારના મતે હાલમાં બ્રિટનમાં ૧.૯૦ લાખ મુસ્લિમ મહિલાઓને અંગ્રેજીમાં સમસ્યા છે. તેમાંથી ૩૮,૦૦૦ને અંગ્રેજી આવડતું જ નથી. તેમની લેંગ્વેજ સ્કિલ સુધારવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસના ભાગરૂપે જ નવી પોલિસી પર કામ કરવામાં આવ્યું છે. સૂત્રોના મતે ઓક્ટોબર સુધીમાં આ પોલિસી સમગ્ર બ્રિટનમાં લાગુ કરી દેવામાં આવશે.
લોકોની પણ ફરજ છે
સરકારનું માનવું છે કે, બ્રિટનમાં રહેવા ઈચ્છતાં લોકોની પણ ફરજ છે કે તેઓ સારું અંગ્રેજી જાણે. તે લોકો પોતાનું અંગ્રેજી સુધારીને સાબિત કરી આપશે તો તેમને દેશમાં પ્રવેશ આપવામાં આવશે. તેઓ જ્યાં રહે છે તે દેશ માટે પણ તેમની કેટલીક ફરજ હોવી જોઈએ અને તે પૂરી પણ થવી જોઈએ. અંગ્રેજી માટે અમે કોઈ સમાધાન કરવાના નથી.
વર્તમાન નિયમ પ્રમાણે બહારના દેશમાંથી યુકેમાં આવીને વસતાં લોકોના બ્રિટનમાં જન્મતા સંતાનોને બ્રિટનની નાગરિકતા મળી જાય છે. તેમને બ્રિટનમાં રહેવાની પરવાનગી હોય છે પણ માત્ર પિતા સાથે. માતાઓ સાથે રહેવા તેમને પરવાનગી નથી. આ નિયમથી એવી સમસ્યા થશે કે બ્રિટનમાં જન્મેલાં બાળકો માતા સાથે સ્વદેશમાં જઈને નાગરિકતા મેળવી શકશે કે નહીં.