ભારતીય અધ્યાત્મ ચિંતન અને દર્શનના અમૃત, અક્ષર, અગાધ મહાસાગર સમાન શ્રીમદ્ ભાગવતજીના કથામૃતના દિવ્ય રસપાન છેલ્લા છ દિવસથી ઈંગ્લેન્ડમાં વસતા હજારો ભક્તો-મુમુક્ષોને પરમ શ્રદ્ધેય પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે પ્રાપ્ત થઈ રહ્યા છે. વળી, ટેકનોલોજીના માધ્યમથી દુનિયાના અનેક દેશોમાં વસતાં લાખો હરિભક્તો આ કથામૃતના રસપાન ટેલિવિઝન તથા ઈન્ટરનેટના માધ્યમથી ઘરે બેઠાં પ્રાપ્ત કરી રહ્યા છે.
લંડનના ડેન્હામસ્થિત અનુપમ મિશનની તપોભૂમિ બ્રહ્મજ્યોતિ પર ભગવાન સ્વામિનારાયણના નવનિર્મિત શિખરસંપન્ન મંદિરમાં શ્રી મુક્ત અક્ષરપુરૂષોત્તમ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે યોજિત ભવ્ય મંદિર મહોત્સવના પ્રારંભરૂપે પાંચમી ઓગષ્ટથી સાત દિવસ માટે યોજીત આ શ્રીમદ્ ભાગવતજીની કથામાં સ્વામીશ્રી અધ્યાત્માનંદજી, પૂજ્ય રામબાપા, પૂજ્ય ભાગવતઋષિજી, પૂ. શ્રુતિપ્રકાશદાસજી, પૂ. શૌનક ઋષિ, પૂ. નર્મળજીવનદાસ સ્વામી, પૂ. જ્ઞાનસ્વરૂપદાસ સ્વામી, પૂ. પી.પી. સ્વામી સહિત અનેક સંતો તથા ઈંગ્લેન્ડ સહિત વિશ્વના અનેક દેશોના ગણમાન્ય મહાનુભાવો પણ પધાર્યા છે.
પાંચમી ઓગષ્ટે શ્રી પોથીયાત્રા સાથે આરંભ થયેલી શ્રીમદ્ ભાગવતજીની કથા દરરોજ બપોરે ૩થી ૭ દરમિયાન ડેન્હામસ્થિત અનુપમ મિશનની તપોભૂમિ પર પરમ શ્રદ્ધેય પૂજ્ય ભાઈશ્રીના શ્રીમુખે પરાવાણીરૂપે પ્રગટ થાય છે, તે દરમિયાન એક દિવસ પૂજ્ય ભાઈશ્રીની પુનિત સંન્નિધિમાં યુવા શિબિરના પણ આયોજન થયાં. બુધવારે પૂ.ભાઇશ્રીએ શિવસ્તવન સાથે દેવાધિદેવ મહાદેવના મહિમાનું વર્ણન કર્યું હતું. ગુરૂવારે ગંગાજીના નીરમાં સમાયેલા સાત ગુણોનું વર્ણન કર્યું હતું. ગંગામાં નિર્મળતા, તરલતા, સરલતા, ગતિશીલતા, શીતળતા, મધુરતા અને પવિત્રતા એમ સાત ગુણો એમ ભાગવત સપ્તાહના સાત દિવસમાંથી અા સાત વસ્તુ મેળવી શકાય છે. ભારતના ચાર સ્થળોએ ભગવાન પ્રત્યક્ષ બિરાજે છે. એક પુષ્કરમાં, બીજું નૈમિષારણ્યમાં, ત્રીજું બદ્રીમાં અને ચોથું ગંડકી નદીનો કિનારો. અહીં શાલીંગ્રામની શિલા બને છે. શાલીંગ્રામ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. એ રીતે નર્મદાના નીરની શિલાઅોમાંથી નર્મદેશ્વર એટલે કે ભગવાન શિવનું નિર્માણ થાય છે. શિવજીને બિલીપત્ર ચઢાવાય. બિલીપત્ર અર્પણ કરો તો ઉંધું જ મૂકાય જયારે શાલીંગ્રામને તુલસી અર્પણ થાય, એ હંમેશાં છતી (સીધી) અર્પણ થાય. મધ્યપ્રદેશના બકાવા ગામમાં નર્મદાના પત્થરમાંથી નર્મદેશ્વર બને છે. નમર્દામાં કંકર એટલા શંકર કહેવાય છે. પૂ. ડોંગરેજી કહેતા કે નર્મદાજીના તીરે તપ કર્યા વિના કોઇ નર મહાપુરુષ બન્યો નથી.
શ્રીમદ ભાગવતજીની કથાના પાંચમા દિવસે તો શ્રીકૃષ્ણ જન્મોત્સવના આનંદ પર્વે પરમ પૂજ્ય ભાઈશ્રીના શ્રીમુખે સતત સાત કલાક વહેતી અસ્ખલિત પરાવાણીએ કથાશ્રવણ કરતા લગભગ સાડા ત્રણ હજારથી વધુ ભક્તોને શ્રીહરિની લીલાના રસામૃતમાં રસતરબોળ કર્યાં. રાત્રે દસ વાગ્યે ‘નંદ ઘેર આનંદ ભયો....’ બાલકૃષ્ણ પ્રાગટ્ય લીલાના પ્રત્યક્ષ આનંદ માણ્યા.
અનુપમ મિશનની તપોભૂમિ બ્રહ્મજ્યોતિ પર નવનિર્મિત મંદિરમાં શ્રી મુક્ત અક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે ૧૪ ઓગષ્ટે સત્સંગ, સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ, ૧૫ ઓગષ્ટે શ્રી મૂર્તિપ્રતિષ્ઠા મહાયજ્ઞ, શોભાયાત્રા, રાષ્ટ્રવંદના, ૧૬ ઓગષ્ટે મંદિરમાં શ્રી મુક્ત અક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે.
મંદિર મહોત્સવના આ ભવ્ય મહાપર્વે અનુપમ મિશનના સ્થાપક સંત ભગવંત સાહેબજીના ૭૫મા પ્રાગટ્ય વર્ષે ૧૬ ઓગષ્ટે સવારે સાહેબજી અમૃતોત્સવ પણ યોજાશે. અા મંદિર મહોત્સવમાં દેશવિદેશથી ૫૦૦ સત્સંગીઅો પધાર્યા છે. જેમાં અગ્રગણ્ય મહાનુભાવોમાં શ્રી શામ પિત્રોડા (ઇનોવેટર એન્ડ ટેકનોક્રેટ), ડો, વિષ્ણુભાઇ પટેલ (અનુપમ મિશન (યુએસએ)ના પ્રમુખ), ડો. જીતુભાઇ પટેલ (વાઇસ પ્રેસિડેન્ટ-યુએસએ અનુપમ મિશન), શ્રી પ્રવિણભાઇ કોટક (લોહાણા મહાપરિષદના પ્રમુખ), ડો. જિતુભાઇ શાહ (યુએસએ), જગતભાઇ કિલ્લાવાળા (વાઇસ પ્રેસિડેન્ટ, અનુપમ મિશન ઇન્ટરનેશનલ કમિટી, ઇન્ડિયા), મુકેશભાઇ કઢીવાલા, દીપેન રૂગાણી (પ્રમુખ, અનુપમ મિશન-અોસ્ટ્રેલીયા), જ્હોનુ શાહ (પ્રમુખ-અનુપમ મિશન-ન્યુઝીલેન્ડ), ડો. જયેશભાઇ પટેલ (અમદાવાદના અોન્કોલોજીસ્ટ) અને એમનાં ધર્મ પત્ની શ્રીમતી અારતીબેન પટેલ, અમદાવાદથી શ્રીમતી દીપા પંકજ મધોલકર અને એમના ૧૭ વર્ષના સુપુત્ર અાદિત્ય મધોલકર, ડો. કિરણ પટેલ (ફલોરિડા), ડો. મનોજભાઇ સોની (વડોદરાની એમ.એસ. યુનિ. અને બાબા અાંબેડકર અોપન યુનિવર્સટીના પૂર્વ વાઇસ ચાન્સેલર), ડો. મોહિન્દર વાલિઅા (એક્સ લૂટેનન્ટ જનરલ), ડો. એ.કે. મિત્રા (એક્સ કમિશ્નર), કે. સી. સીંગ સાહેબ (એક્સ ઇન્કમટેક્સ કમિશ્નર) મંદિર મહોત્સવમાં ભાગ લેવા અત્રે પધાર્યા છે.