વોશિંગ્ટન: વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે ગુરુવારે વ્હાઈટ હાઉસમાં મહત્ત્વની બેઠક યોજાઈ હતી. યુએસ પ્રમુખે મોદીનું ઉમળકાભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે મોદીને કહ્યું હતું કે ‘આઇ મિસ્ડ યુ...’ બંને નેતાઓએ ઉષ્માભેર હાથ મિલાવ્યા હતા અને એકબીજાને ભેટયા હતા. આ તબક્કે બંને નેતાઓની કેમિસ્ટ્રી અદ્ભુત અને રોચક હતી.
મોદીએ ટ્રમ્પની પ્રશંસા કરતા કહ્યું હતું કે ટ્રમ્પ હંમેશા રાષ્ટ્રીય હિતને સર્વોપરિ રાખે છે. ટ્રમ્પની જેમ ભારતનાં હિતોને સર્વોપરિ રાખીને કામ કરતા રહેવું તે મારા માટે સૌભાગ્યની વાત છે. જ્યારે જ્યારે ટ્રમ્પની વાત આવે ત્યારે મેક અમેરિકા ગ્રેટ અગેઈન (MAGA)ની લોકોને યાદ આવે છે. દરેકને તેમાંથી પ્રેરણા મળે છે.
ભારતમાં જ્યારે વિકસિત ભારતનું સપનું 2047માં સાકાર થશે ત્યારે ભારતની આઝાદીને 100 વર્ષ થયા હશે. વિકસિત ભારતનાં નિર્માણને આજકાલ 140કરોડ લોકોનાં સંકલ્પ સાથે ગતિ મળી રહી છે. અમેરિકા વિશ્વની સૌથી જૂની લોકશાહી છે જયારે ભારત વિશાળ લોકતંત્ર દેશ છે. આમ બંનેનાં મિલનનો મતલબ 1 વત્તા 1 બરાબર 11 થાય છે. જે તાકાત વિશ્વનાં કલ્યાણમાં કામ આવશે.
MAGA+MIGA=MEGA
મોદીએ કહ્યું કે અમેરિકાનાં રાષ્ટ્રપતિનો હેતુ MAGA એટલે કે મેક અમેરિકા ગ્રેટ અગેઇન છે ભારત પણ 2047 સુધીમાં ઝડપી વિકાસ સાધવામાં અગ્રેસર બની રહ્યો છે. અમેરિકાની ભાષામાં કહું તો વિકસિત ભારતનો મતલબ મેક ઈન્ડિયા ગ્રેટ અગેઈન એટલે કે MIGA છે. જ્યારે અમેરિકા અને ભારત સાથે મળીને કામ કરે છે ત્યારે MAGA પ્લસ MIGA બને છે અને આ બંને મળીને MEGA પાર્ટનરશિપ ફોર પ્રોસ્પેરિટી સર્જાય છે. આ મેગા જ આપણા લક્ષ્યાંકોને નવા આયામ અને નવો સ્કોપ આપે છે.