ઘણા લોકો શોખને સાકાર કરવાની જીદમાં કંઈક નોખું-અનોખું કરી બતાવે છે. આવા લોકોમાંથી એક છે અમેરિકાના રહેવાસી બ્રુસ કેમ્પબેલ. 74 વર્ષના બ્રુસ છેલ્લાં 20 વર્ષથી જંગલની વચ્ચે એકલાઅટૂલા એક વિમાનમાં વસવાટ કરે છે. વ્યવસાયે ઈલેક્ટ્રિકલ એન્જિનિયર બ્રુસ શરૂઆતથી જ સામાન્ય ઘરમાં રહેવા ઇચ્છતા નહોતા. આથી તેમણે 1999માં આશરે 80 લાખ રૂપિયા ખર્ચીને ભંગારમાંથી એક વિમાન ખરીદયું. બીજા 15 લાખ રૂપિયા ખર્ચીને જૂનાપુરાણા પ્લેનને ‘ઘરલાયક’ બનાવ્યું, અને 1066 ફૂટ લાંબા આ ઘર માટે વસાહતથી દૂર જંગલ પસંદ કર્યું. આ ઘરમાં માઇક્રોવેવ ઓવન, ફ્રીજ, બાથરૂમ, શાવર સહિત જીવનજરૂરી તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે. પ્રવાસીઓ તેમના આ અનોખા નિવાસને નિહાળવા આવવા લાગ્યા તો તેમણે હોટેલ જેવી રહેવાની સગવડ ઉભી કરી. હવે તેઓ રૂ. 30 હજાર ચાર્જ વસૂલ કરીને પ્રવાસીઓને નાઇટ સ્ટેની સગવડ આપે છે.