200થી વધુ રિપબ્લિકન્સ કમલા હેરિસના સમર્થનમાં ઉતરતાં ડોનાલ્ડ ટ્રમ્પને ઝાટકો

Sunday 08th September 2024 11:18 EDT
 
 

વોશિંગ્ટનઃ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદની આગામી ચૂંટણી લડવાના અભિયાનને આકરો ઝાટકો લાગ્યો છે. 200થી વધુ રિપલ્બિકન્સ હોદ્દેદારોએ કમલા હેરિસને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. આ 200થી વધુ રિપબ્લિકન્સ એવા છે, જે ટ્રમ્પની પાર્ટીના છે અને ભૂતકાળમાં પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશ (સિનિયર) માટે કામ કરી ચુક્યા છે.
આ તમામે પોતાની પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને બદલે હરીફ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિના પદના ઉમેદવાર કમલા હેરિસને ચૂંટણીમાં સમર્થન આપ્યું છે. રિપબ્લિકિન અધિકારીઓના સમૂહે ટ્રમ્પના નેતૃત્વને અરાજક ગણાવીને ચેતવણી આપી કે તેમને (ટ્રમ્પ) ફરીથી ચૂંટવા એ આપણા દેશ માટે એક આફતસમાન હશે.
સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ડેમોક્રેટિક ઉમેદવાર માટે રિપબ્લિકન અધિકારીઓનું સમર્થન પાંચમી નવેમ્બરે યોજનારી અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના 68 દિવસ પહેલા આવ્યું છે. આ સમર્થન દર્શાવે છે કે, કમલા હેરિસની લોકપ્રિયતા નિરંતર વધી રહી છે.

લોકપ્રિયતામાં પણ કમલા આગળ
અમેરિકામાં ઈકોનોમી અને ક્રાઈમના મોરચે મતદારોમાં રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પને ડેમોક્રેટ કમલા હેરિસ સામે જે સરસાઈ મળી હતી તે ધોવાઈ રહી છે. એક નવા સર્વેના તારણો મુજબ કમલા હવે ટ્રમ્પથી પણ વધુ લોકપ્રિય બન્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. પાંચમી નવેમ્બરે યોજાનારી પ્રમુખપદની ચૂંટણી પૂર્વે કમલાનો ચૂંટણીપ્રચાર વેગ પકડી રહ્યો છે.
ગયા ગુરુવારે જાહેર થયેલા એક સર્વેના તારણો મુજબ મતદારોમાં કમલા 45 ટકા જ્યારે ટ્રમ્પ 41 ટકા લોકપ્રિયતા ધરાવે છે. આ સર્વે 28 ઓગસ્ટ સુધીના 8 દિવસ દરમિયાન હાથ ધરાયો હતો. ખાસ કરીને મહિલાઓ અને હિસ્પેનિક મતદારોમાં કમલાની લોકપ્રિયતામાં વધારો થયો છે. મહિલાઓ અને હિસ્પેનિક મતદારોમાં કમલા 49 ટકા જ્યારે ટ્રમ્પ 36 ટકા લોકપ્રિયતા ધરાવે છે. દરમિયાન, અર્થતંત્ર અને રોજગાર પ્રત્યે ટ્રમ્પનો અભિગમ 43 ટકા મતદારો દ્વારા પસંદ કરાયો હતો જ્યારે 40 ટકા લોકોએ કમલાના અભિગમને પસંદ કર્યો હતો.
અગાઉ જુલાઈના અંતમાં થયેલા સર્વેમાં ટ્રમ્પને અર્થતંત્રના મોરચે 11 પોઈન્ટનો ફાયદો જોવા મળ્યો હતો. ગુનાખોરી અને ભષ્ટાચાર પર ટ્રમ્પ અને કમલા હેરિસ બંનેને 40-40 ટકા સમર્થન મળ્યું હતું. જે જુલાઈના સર્વેમાં ટ્રમ્પથી પાંચ પોઈન્ટ પાછળ ચાલી રહેલા કમલાને નોંધપાત્ર ફાયદો થયાનું દર્શાવે છે. તાજેતરના રાષ્ટ્રીય સર્વેક્ષણો દર્શાવે છે કે કમલા ગત 21 જુલાઈએ પ્રમુખપદની રેસમાં ઊતર્યા બાદ ટ્રમ્પ પર સરસાઈ મેળવી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter