ન્યૂ યોર્કઃ કેલિફોર્નિયાના ડિક્સનમાં મકાઈના ખેતરમાં આવેલું ભુલભુલૈયા દુનિયાનું સૌથી મોટું ભુલભુલૈયા હોવાનો વિક્રમ ધરાવે છે. 42 એકરમાં ફેલાયેલા મકાઈના આ વિશાળ ખેતરમાં અમેરિકી રાષ્ટ્રધ્વજ સાથે ‘ગોડ બ્લેસ અમેરિકા’ જેવા શબ્દોને કોતરવામાં આવ્યા છે. 2007માં તેને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરાયું હતું, અને આજે પણ આ રેકોર્ડ તેના નામે છે. આ વિશાળ ભુલભુલૈયાને પહેલીવાર 2000માં સ્થાનિક ખેડૂતબંધુઓ મેટ અને માર્ક કૂલીએ તેમના ખેતરમાં ડિઝાઈન કર્યું. આ ભુલભુલૈયા ફક્ત તેની વિશાળતા માટે જ નહીં, પરંતુ તેની અનોખી ડિઝાઈન માટે પણ ઓળખાય છે. અહીં આવનારા લોકો મકાઈના ઊંચા-ઊંચા છોડ વચ્ચે ખોવાઈ જાય છે અને રસ્તો ગોતવાનો રોમાંચક અનુભવ માણે છે. આ ભુલભુલૈયાને દરેક વર્ષે નવી ડિઝાઈન સાથે તૈયાર કરાય છે, જે લોકોને વારંવાર અહીં આવવા માટે પ્રેરે છે.