ન્યૂ યોર્કઃ યુએસસ્થિત જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીએ 9 વર્ષીય સામેધા સક્સેનાને વિશ્વના સૌથી તેજસ્વી વિદ્યાર્થીઓમાંની એક ગણાવી તેની બહુમુખી પ્રતિભાની સરાહના કરી છે. સામેધાએ જ્હોન હોપકિન્સ સેન્ટર ફોર ટેલેન્ટેડ યુથ (CTY) દ્વારા પ્રતિભાશાળી યુવાની શોધ માટે લેવાતી SAT, ACT, સ્કૂલ એન્ડ કોલેજ એબિલિટી ટેસ્ટ તેમજ આ પ્રકારની પરીક્ષાઓમાં અભૂતપૂર્વ દેખાવ કરી લિસ્ટમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ન્યૂ યોર્કની બેટરી પાર્ક સિટી સ્કૂલની ધોરણ 4ની વિદ્યાર્થિની સામેધાએ ગયા વર્ષે આઠ વર્ષની વયે ટેલન્ટ સર્ચ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. જ્હોન હોપકિન્સ CTY દ્વારા 76 દેશોના 15,300 વિદ્યાર્થીઓમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓને શોધવા લીધેલી ટેસ્ટના પરિણામોના આધારે યાદી તૈયાર કરાઈ હતી. 15,300 વિદ્યાર્થીઓમાંથી 27 ટકાથી પણ ઓછા વિદ્યાર્થીને તેમના સ્કોર મુજબ હાઈ અથવા ગ્રાન્ડ ઓનર્સ જાહેર કરાયા હતા.
CTYના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. એમી શેલ્ટોને જણાવ્યું હતું કે એક પરીક્ષામાં આપણા વિદ્યાર્થીઓની સફળતાની આ કદર માત્ર નથી પરંતુ, શોધખોળ અને શીખવાની ધગશ, પ્રેમ અને આટલી નાની જિગદીમાં તેમણે જે જ્ઞાન એકત્ર કર્યું છે તેને સલામ છે. તેઓ પોતાની કોમ્યુનિટીઓ અને વિશ્વને ઉપયોગી બની શકાય તેમાં આ ક્ષમતાનો ઉપયોગ કઈ રીતે કરશે અને નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરશે તેનો વિચાર પણ રોમાંચક છે.’
ગયા વર્ષે જ્હોન હોપકિન્સ CTY દ્વારા 2021ના સ્પ્રિંગમાં ટેસ્ટ આપનારી પાંચમા ધોરણની વિદ્યાર્થિની ભારતવંશી ટીનેજર નટાશા પેરીઆન્યાગામને વિશ્વની સૌથી તેજસ્વી વિદ્યાર્થી જાહેર કરાઈ હતી. ન્યૂ જર્સીની ફ્લોરેન્સ એમ ગૌડીનીઅર મીડલ સ્કૂલમાં અભ્યાસ કરતી 13 વર્ષીય નટાશાએ વર્બલ અને ક્વોન્ટિટેટિવ વિભાગોમાં એડવાન્સ્ડ ધોરણ આઠના 90 ટકા પર્સેન્ટાઈલની સમકક્ષ પરિણામો હાંસલ કર્યાં હતાં. નટાશાના ભારતના ચેન્નાઈના મૂળ રહેવાસી પેરન્ટ્સે જણાવ્યું હતું કે તેને ડૂડલ-ચીતરામણ કરવાનું અને જેઆરઆર ટોલ્કેઈનની નવલકથાઓ વાંચવી ગમે છે.