ઓકલાહામા સિટીઃ અમેરિકાના ઓક્લાહામા શહેરમાં રહેતા 93 વર્ષના જ્હોની બેલ પોસ્ટ ઓફિસમાં 70 વર્ષથી સેવા કરી રહ્યા છે, અને હજુ પણ તેઓ કામ ચાલુ રાખવા તત્પર છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેમણે પોતાનું આખું આયખુ અમેરિકાની પોસ્ટ ઓફિસમાં વીતાવ્યું છે. આ સાથે જ તેઓ અત્યાર સુધીની સૌથી લાંબી સર્વિસનો રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવી ચૂક્યા છે. તેમણે પોતાના અનુભવ શેર કરતા કહ્યું હતું કે જ્યારે હું 23 વર્ષનો હતો ત્યારે મેં પોસ્ટ ઓફિસમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. મને તે સમયે એક કલાકના આશરે 1.80 ડોલર મળતા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે મને આ ઉંમરે પણ કામ કરવાનું ઘણું ગમે છે. હું ઈચ્છું છું કે હજુ પણ મને કામ કરવાની તક મળે અને હું સતત કામ કરતો રહું. મારી આ સફળતાના મૂળમાં મારા સહકર્મીઓએ આપેલો સહકાર છે, જેમણે મને હંમેશા સપોર્ટ કર્યો છે. તેમના સાથ વગર આ શક્ય નહોતું. ઉલ્લેખનીય છે કે જ્હોની બેલ અમેરિકામાં સૌથી લાંબો સમય કાર્યરત પોસ્ટકર્મી તરીકે સન્માનિત પણ થઇ ચૂક્યા છે.