વોશિંગ્ટનઃ ચેટજીપીટીનું નિર્માણ કરનાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની OpenAIના પૂર્વ રિસર્ચર ભારતીય સૂચિર બાલાજી (26) તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. OpenAI પર ગંભીર સવાલો ઉઠાવનાર સુચિર બાલાજીનો મૃતદેહ 26 નવેમ્બરના રોજ સાન ફ્રાન્સિસ્કો ખાતેથી મળી આવ્યો હોવાની જાહેરાત પોલીસે 15 ડિસેમ્બરના રોજ કરી છે.
પ્રાથમિક તપાસમાં દાવો કરાયો છે કે સુચિર બાલાજીએ આત્મહત્યા કરી લીધી છે. સુચિરે 4 વર્ષ સુધી OpenAIસાથે કામ કર્યું હતું. સાથે જ ચેટજીપીટીના ડેવલપમેન્ટમાં પણ તેની મોટી ભૂમિકા હતી. અધિકારીઓએ જણાવ્યું કે સુચિર બાલાજી સાન ફ્રાન્સિસ્કોના બુકાનનમાં તેના ફ્લેટમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. હત્યા અંગેના કોઇ પુરાવા નથી મળ્યા.
સુચિર બાલાજીએ મૃત્યુના ત્રણ મહિના પહેલાં દાવો કર્યો હતો કે OpenAIએ અમેરિકાના કોપીરાઈટ કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. પરવાનગી વગર પત્રકારો, લેખકો અને પ્રોગ્રામરોના કોપીરાઈટ મટીરિયલનો ઉપયોગ કરાયો છે. તેના આ દાવા બાદ હોબાળો મચી ગયો હતો.