વોશિંગ્ટનઃ અમેરિકાએ ભારતની ટોચની આઈટી કંપનીઓ સામે વિઝા નિયમોના ભંગના આરોપ મૂક્યા છે. અમેરિકાએ જણાવ્યું હતું કે, ટીસીએસ અને ઈન્ફોસિસ દ્વારા H-1B વિઝાના નિયમોનો ભંગ કરાયો છે. આ બંને કંપનીઓ દ્વારા ખોટી રીતે જરૂર કરતાં વધારે H-1B વિઝા મેળવે છે. ઉલ્લેખનીય છે કે, યુએસમાં લોટરી સિસ્ટમ દ્વારા વિઝા આપવામાં આવે છે.
ટ્રમ્પ તંત્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આઉટસોર્સિંગ કરનારી કેટલીક કંપનીઓ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં અરજીઓ કરાય છે. તેમની અરજીઓ વધારે હોવાથી લોટરી સિસ્ટમમાં પણ તેમના ઉમેદવારોને વિઝા મળવાની શક્યતાઓ વધી જાય છે. તમે આ કંપનીઓને સારી રીતે જાણો છે. વધારે વિઝા લેવામાં તાતા, ઈન્ફોસિસ અને કોગ્નિઝન્ટ જેવી કંપનીઓ છે. વધુ અરજીના પેંતરા કરીને આ કંપનીઓ વધારે વિઝા મેળવી લે છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય કંપનીઓ દ્વારા આ મુદ્દે કોઈ ખુલાસા કરાયા નથી. બીજી તરફ ભારતીય નાણા પ્રધાન અરુણ જેટલીએ અમેરિકાના કોર્મસ સેક્રેટરી વિલ્બુર રોસ સાથે મુલાકાત દરમિયાન વિઝા મુદ્દો ઉછાળ્યો હતો.