ન્યૂ યોર્કઃ અમેરિકામાં ગુજરાતી મૂળનાં ૪૪ વર્ષનાં મહિલા ડોકટર ડો. જુમાના નગરવાલાની છથી આઠ વર્ષની દીકરીઓની ખતના (એફજીએમ) કરવાના કેસમાં છેલ્લા પખવાડિયામાં ધરપકડ થયા બાદ મિશગન સ્ટેટમાં રહેતાં ફકરુદ્દીન અત્તાર અને તેમનાં પત્ની ફરિદાની સામે તેમના લિવોનાના ક્લિનિકમાં આ પ્રકારનું જ ઓપરેશન કરવા બદલ આરોપો ઘડાયા છે. બંનેની ૨૧મીએ તેમના ઘરેથી ધરપકડ કરાઈ હતી. નગરવાલા, ફકરુદ્દીન અને ફરિદા એફજીએમ અંતર્ગત પકડાનાર પહેલા આરોપીઓ છે. જુમાના એક રિપોર્ટ પ્રમાણે હેનરી ફોર્ડ હેલ્થ સિસ્ટમ વેબસાઈટની પ્રોફાઈલમાં ઈંગ્લીશ અને ગુજરાતી એમ બે જ ભાષા જાણે છે. ફિમેલ જેનિટલ મ્યુટેશન એટલે કે એફજીએમ તરીકે ઓળખાતી આ પીડાદાયક અને ઘાતકી પ્રથા પર અમેરિકા સહિત યુરોપના દેશોમાં પ્રતિબંધ છે. તેમની પર લગાવાયેલાં આક્ષેપો પ્રમાણે આ ત્રણેય છથી આઠ વર્ષની દીકરીઓ પર પ્રતિબંધિત ખતનાનું શેતાની ઓપરેશન કરતા હતાં. એફજીએમ તરીકે બદનામ આ ઓપરેશનમાં સ્ત્રીના જનનાંગમાંથી ક્લિટોરિસ સહિતના ભાગ કાપી નાંખવામાં આવે છે જેથી તે યુવતી મોટી થાય ત્યારે તેને જાતીય આનંદ મળી શકે નહીં.