વોશિંગ્ટનઃ અમેરિકાના કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ અમેરિકન પ્રદેશ પ્યુર્ટો રિકોમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાનો પ્રયાસ કરવા બદલ આઠ ભારતીયોની ૧૫મીએ ધરપકડ કરી છે. યુએસ સુરક્ષા અધિકારીઓને ભારત અને ડોમિનિક રિપબ્લિકના દસ્તાવેજો ન ધરાવતાં ૧૧ લોકો પશ્ચિમી કાંઠે મળ્યા હતા. અગુઆડિલ્લાના રામે સેક્ટરના ચીફ પેટ્રોલ એજન્ટ રામિરો કેરિલોએ આ અંગે જણાવ્યું હતું કે ભારતમાંથી લાંબો પ્રવાસ ખેડનાર માઇગ્રન્ટ્સે અમેરિકામાં પ્રવેશવા માટેના ખતરાને ચકાસી લેવા જોઇએ. મોના પેસેજને પાર કરવામાં ઘણું મોટું જોખમ હોય છે. પકડાયેલા તમામ લોકોને વધુ પૂછપરછ માટે રામે બોર્ડર પેટ્રોલ સ્ટેશનમાં મોકલી દેવાયા છે. અગાઉ ૨૯ સપ્ટેમ્બરે પણ આવી જ એક ઘટનામાં ભારતના સાત નાગરિકોને પકડવામાં આવ્યા હતા.