વોશિંગ્ટનઃ અમેરિકામાં સંતાનને જન્મ આપવાના મામલે વિદેશી મહિલાઓમાં ભારતીય માતાઓ ત્રીજા ક્રમે રહી છે. પ્રથમ ક્રમે મેક્સિકોની માતાઓ છે અને બીજા ક્રમે ચીનની માતાઓ છે. લગ્ન વગર સંતાનને જન્મ આપવાના મામલે ભારતીય મહિલાઓ માત્ર એક ટકા છે. સંતાનને જન્મ આપનારી ભારતીય મહિલાઓમાં કોલેજની ડિગ્રી મેળવવાનું પ્રમાણ ૮૭ ટકા રહ્યું છે. આવી ભારતીય મહિલાઓની પારિવારિક આવક પણ સારી હોવાનું પ્યૂ રિસર્ચ સેન્ટરના તાજેતરના સર્વેમાં માલૂમ પડ્યું છે.
એક અહેવાલ મુજબ વર્ષ ૨૦૧૪માં અમેરિકામાં વિદેશી મહિલાઓની કૂખે કુલ ૯,૦૧,૨૪૫ સંતાનોનો અમેરિકામાં જન્મ થયો છે. આ પૈકી મેક્સિકોની માતાઓએ સૌથી વધુ ૨,૮૭,૦૫૨ સંતાનોને જન્મ આપ્યો છે. ચીનની માતાઓએ ૪૪,૮૨૯ સંતાનોને જન્મ આપ્યો છે, જ્યારે ભારતની માતાઓએ ૪૩,૩૬૪ સંતાનોને જન્મ આપ્યો છે. ચીન અને ભારતની માતાઓએ સંતાનોને જન્મ આપવાના મામલે પાંચ ટકાનું સમાન યોગદાન આપ્યું છે. માતા બનેલી ૧૦ પૈકી ૯ ભારતીય મહિલા (૮૭ ટકા) બેચલર્સ ડિગ્રી ધરાવે છે અને તેમની સરેરાશ આવક એક લાખ ડોલરથી વધારે છે.