વોશિંગ્ટન: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના બીજા કાર્યકાળની સત્તા સંભાળ્યા પછી એક પછી એક મોટા મોટા નિર્ણયો લઈને દુનિયાને ચોંકાવી રહ્યા છે. આ શ્રેણીમાં હવે તેમણે અમેરિકાની રાષ્ટ્રીય ભાષા અંગે મોટો નિર્ણય કર્યો છે. ટ્રમ્પે શુક્રવારે અંગ્રેજીને અમેરિકાની રાષ્ટ્રીય ભાષા જાહેર કરવાની જાહેરાત કરી હતી.
અમેરિકા આઝાદ થયા પછી 250 વર્ષના ઈતિહાસમાં હજુ અંગ્રેજી સહિત કોઈ ભાષાને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો આપવાની જરૂરિયાત ઊભી થઈ નહોતી, પરંતુ હવે પ્રમુખ ટ્રમ્પ એકતાને પ્રોત્સાહન આપવાના નામે અમેરિકામાં સૌથી વધુ બોલાતી અંગ્રેજીને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો આપશે. અમેરિકાના કેટલાક રાજ્યોમાં અંગ્રેજીને સત્તાવાર ભાષાનો દરજ્જો છે, પણ હવે ટ્રમ્પ પહેલી વખત કોઈ ભાષાને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો આપી રહ્યા છે.