હોનોલુલુ: અમેરિકી સરકારે હવાઈ ટાપુ પાસે આવેલા દરિયાઈ વિસ્તારને નેશનલ પાર્ક જાહેર કર્યો છે. પાપાહાનુમોકુઆકી મરિન નેશનલ મોન્યુમેન્ટ એવું નામ ધરાવતો આ દરિયાઈ આરક્ષિત વિસ્તાર (રિઝર્વ એરિયા) જગતનો સૌથી મોટો નેશનલ પાર્ક છે. તેનો વિસ્તાર ૧૫૧૦૦૦૦ ચોરસ કિલોમીટર જેવડો છે એટલે કે અડધા ભારત જેવડું તેનું કદ છે. આ દરિયાઈ વિસ્તારમાં વ્હેલની ૨૪ વિવિધ પ્રજાતિ સાથે કુલ મળીને ૭ હજારથી વધુ પ્રકારના દરિયાઈ સજીવો રહે છે.
અમેરિકાના વન્ય વિસ્તારોનું સંરક્ષણ કરતી નેશનલ પાર્ક સર્વિસની ૧૦૦મી જયંતિની ઉજવણી વખતે ઓબામાએ આ પાર્કની જાહેરાત કરી હતી. પાપાહાનુમોકુઆકી એ હવાઈ ભાષાનું નામ છે. તેનો અર્થ દરિયો, આકાશ, જમીન અને સ્થાનિક લોકોનો સમૂહ એવોથાય છે. આ વિસ્તારનું મહત્ત્વ પારખીને યુનેસ્કોએ તો પહેલેથી જ તેને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપી રાખ્યો છે. દરિયાઈ સૃષ્ટિ અને હવાઈ ટાપુના સાંસ્કૃતિક વારસા એ બંને દૃષ્ટિએ આ વિસ્તાર ઘણો મહત્ત્વનો છે. હકીકતે હવાઈ ટાપુનો આ વિસ્તાર પહેલેથી નેશનલ પાર્ક તો છે જ, પરંતુ તેમાં વધુ વિસ્તાર ઉમેરાતા હવે રિઝર્વ એરિયા કદાવર બન્યો છે.