વલસાડ, જેક્સન વિલ (ફ્લોરિડા)ઃ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના હરિયા ગામના વતની અને યુએસમાં ફ્લોરિડાના જેક્સન વિલમાં એક રિટેઇલ શોપ સંભાળતા અનાવિલ યુવાનની બે નીગ્રો ટીનેજર્સે ગોળી મારીને હત્યા કરતાં ભારતીય સમુદાયમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે. લૂંટ અને હુમલાનો ભોગ બનેલો માલવ દેસાઇ ગ્રીન કાર્ડ હોલ્ડર હતો અને હોટલ મેનેજમેન્ટની ડિગ્રી ધરાવતો હતો.
પોલીસે હુમલાની ઘટનાના માત્ર બે જ કલાકમાં હુમલાખોરો ટીનેજર્સને ઝડપી લઇને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. જોકે ભારતીયો, અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ પર બની રહેલી હુમલાની ઘટનાઓથી અમેરિકાવાસી ભારતીયોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં છેલ્લા સાડા ત્રણ માસમાં ગુજરાતી પર હુમલાની આ પાંચમી ઘટના છે.
પાંચ વર્ષથી વસવાટ
માલવના પિતા મુકેશભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર તેમનો ૨૮ વર્ષનો પુત્ર માલવ હોટેલ મેનેજમેન્ટનો કોર્ષ કરીને છેલ્લાં પાંચ વર્ષથી ફ્લોરિડામાં પત્ની આકાંક્ષા સાથે સ્થાયી થયો હતો. વડોદરાનો વતની એવો મિત્ર કામઅર્થે બહાર જનાર હોવાથી માલવ ત્રણ દિવસ માટે તેની રિટેઈલ શોપ સાચવવા માટે ગયો હતો.
માલવ ૧૯ મેના રોજ બપોરે બે વાગ્યે ટોબેકો શોપ્સ નામની રિટેઇલ શોપમાં બેઠો હતો ત્યારે બે નીગ્રો ટીનેજર્સ હાથમાં ગન સાથે ધસી આવ્યા હતા. તેમણે રિવોલ્વર વડે ધમકાવીને શોપમાં નોકરી કરી રહેલા ત્રણ સ્થાનિક યુવાનોને જમીન પર સુવડાવી દીધા. આ પછી માલવને ધમકાવીને કાઉન્ટરની તમામ રોકડ લૂંટી લીધી હતી અને તેને ગોળી મારીને જીપમાં બેસીને નાસી છૂટ્યા હતા.
જાનના જોખમે ઝબ્બે
હુમલાખોર ટીનેજર્સે હત્યામાં ઉપયોગમાં લીધેલી જીપ ફ્લોરિડાના ડેટોના બીચ પરથી ચોરી કરી હતી. આ અંગેના મેસેજ વાયરલેસ પર ફરતા થયાં હતાં. તે સમયે સેન્ટ જ્હોન્સ કાઉન્ટીના શેરીફનું હેલિકોપ્ટર સુપરવિઝન કરી રહ્યું હતું. આમ હેલિકોપ્ટર ઉપરાંત પોલીસની કારે બન્ને આરોપીની જીપનો પીછો કર્યો હતો. પોલીસ કારે જીપને રોકવા ફાયર કરીને ટાયર પંકચર કરી નાખ્યું હતું. આમ છતાં આરોપીઓએ જીપ ન અટકાવતાં આખરે પોલીસે જીપને ટક્કર મારીને અટકાવી બન્નેને ઝડપી લીધા હતાં.
પરિવાર યુએસ પહોંચ્યો
ઘટનાની જાણ થતાં જ માલવના પિતા મુકેશભાઇ, માતા ચેતનાબહેન, કાકી અલકાબહેન, સસરા રમેશભાઇ દેસાઇ, સાસુ પ્રતિમાબેન, સાળા તન્મયભાઇ સહિતના પરિવારજનો ફ્લોરિડા પહોંચી ગયા હતા. સદ્ગતના માલવના અંતિમ સંસ્કાર ત્યાં જ કરવામાં આવ્યા હતા.
ગુજરાતીઓ જ કેમ ટાર્ગેટ?
હરિયામાં ગામમાં રહેતા માલવના મામા ગિરીશભાઈ દેસાઈએ એક અખબાર સાથેની વાતચીતમાં ભારે રોષપૂર્વક જણાવ્યું હતું કે, અમેરિકામાં છેલ્લા કેટલાક મહિનામાં છ જેટલા ગુજરાતીઓની હત્યા કરાઇ છે. અમેરિકામાં ગુજરાતીઓને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે તેની સરકારે તપાસ કરાવવી જોઈએ. આ ઘટનામાં નીગ્રો હુમલાખોરોએ શોપમાં કામ કરતા સ્થાનિક યુવાનોને છોડીને ગુજરાતી એવા માલવની હત્યા કરી તે જ બતાવે છે કે આધુનિક અમેરિકન પ્રજામાં કામગરા ગુજરાતીઓ પ્રત્યે મનમાં ભારોભાર તિરસ્કારની લાગણી પ્રવર્તી રહી છે.