હ્યુસ્ટનઃ અમેરિકન સમાજને અનન્ય સંશોધનની ભેટ આપનાર ૧૨ વ્યક્તિઓની યાદીમાં ભારતીય-અમેરિકન અનિતા અડાલજાનો પણ સમાવેશ થાય છે. આ ૧૨ વ્યક્તિને અમેરિકાભરમાંથી પસંદ કરીને સન્માનિત કરાય છે. અનિતા અડાલજાને કૃષિ ક્ષેત્રે ટકાઉ અને પર્યાવરણનો સામનો કરી શકે તેવો પાક વિકસાવવા માટે સન્માનિત કરાશે.
અડાલજાએ તેમની કારકિર્દીનો પ્રારંભ સામાજિક કાર્યકર તરીકે કર્યો હતો. હાલ તેઓ અર્કાડીઆ સેન્ટર ફોર સસ્ટેઇનેબલ ફૂડ એન્ડ એગ્રીકલ્ચરમાં મેનેજર તરીકે કામગીરી બજાવે છે. તેમનું કહેવું છે કે હાલ તેઓ ખાદ્યાન્નનો પુરવઠો જળવાઈ રહે તેવા ઉપાયો, સમાજરચના અને ભૂમિસુધારણાની કામગીરી સાથે સંકળાયેલા છે. આ પૂર્વે તેઓ બ્રુકલીનમાં સામાજિક કાર્યકર હતા.
તેમણે યુએસડીએ (યુનાઇટેડ સ્ટેટસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર)ના બ્લોગમાં જણાવ્યું છેઃ મેં ઇમારતની છત પર ખેતીની એક પદ્ધતિ વિકસાવી હતી. તેમાંથી સાંતાક્રુઝ ખાતેની એક એપ્રેન્ટિસશીપમાં મેં ભાગ લઈને ‘એગ્રો-ઇકોલોજી એન્ડ સસ્ટેનેબલ ફૂડ સિસ્ટમ્સ’ની જાણકારી મેળવીને આ ક્ષેત્રે ઝૂકાવ્યું ત્યારથી પાછું વાળીને જોયું નથી.’ વિજેતાઓને તેમની સિદ્ધિ માટે વ્હાઇટ હાઉસ તરફથી સન્માન અને પુરસ્કાર આપવામાં આવશે તેમણે સમાજને કૃષિ ક્ષેત્રે આપેલા શિક્ષણ અને સંશોધન બદલ આ સન્માન અપાયું છે.
આ સંશોધકોએ એવી પ્રણાલિ વિકસાવી છે કે જે ખેતીની જમીનને વધુ ટકાઉ અને ઉપજાઉ બનાવે છે. ઉર્જાનો અસરકારક ઉપયોગ અને બચાવ કરે છે. પાણીની ગુણવત્તા સુધારે છે અને ગ્રીનહાઉસ ગેસના નિકાલમાં ઘટાડો કરે છે. આ ઉપરાંત અનાજના ઉત્પાદનમાં વધારો કરીને તેમણે બધા માટે અનાજની પ્રાપ્તિ શક્ય બનાવી છે, એમ અમેરિકન સત્તાધીશોનું માનવું છે.