ન્યૂ યોર્કઃ લિવિંગ્સ્ટન કાઉન્ટીમાં આવેલા એવન નર્સિંગ હોમમાં અચાનક પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની ટીમ પહોંચે છે. 104 વર્ષના એક વૃદ્ધા સાથે વાતચીત કરે છે અને તેમનો કોઇ પણ વાંકગુનો ના હોવા છતાં પણ તેમને પોતાની સાથે લઇ જાય છે. એટલું જ નહીં, પોલીસ સ્ટેશને લઇ જઇને હાથકડી પહેરાવી જેલમાં પણ ધકેલી દીધાં. જોકે દાદીમાના ચહેરા પર કોઇ અફસોસના બદલે આનંદ હતો અને મોઢામાં ફરિયાદના બદલે પોલીસ ટીમ માટે આશીર્વાદ હતા. આવું કેમ?!
વાત એમ છે કે મિશિગન સ્ટેટમાં આવેલી લિવિંગસ્ટન કાઉન્ટીમાં એવન નર્સિંગ હોમમાં રહેતાં 104 વર્ષનાં લોરેટાએ પોલીસ સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમનો જન્મદિવસ જેલમાં ઉજવવામાં આવે. આ દાદીમાને તેમની આ વિચિત્ર ઇચ્છા વિશે પૂછવામાં આવ્યું તો તેનો જવાબ આનાથી પણ વિચિત્ર હતો. લોરેટાદાદીનું કહેવું હતું કે, તેણે પોતાના જીવનમાં કયારેય જેલ જોઈ ન હતી.
આ કારણે પોતે તે માહોલનો અનુભવ કરવા માંગતા હતા. લિવિંગ્સ્ટન કાઉન્ટી પોલીસ તેમનો આ જવાબ સાંભળીને ચોંકી તો ગઈ હતી, પરંતુ તેમણે આ ઈચ્છાને પૂરી પણ કરી. કાઉન્ટી પોલીસ ડિપાર્ટમેન્ટે તેમના ફેસબુક પેજ પર આ અંગેની માહિતી પોસ્ટ સાથે લોરેટાની કેટલીક તસવીરો પણ શેર કરી છે. પોલીસ વિભાગે લખ્યું કે લોરેટાનો જેલમાં સારો સમય હતો. અમે ખૂબ જ ખુશ છીએ કે અમે તેમના જન્મદિવસની ઇચ્છા પૂરી કરી શકયા. લોરેટાએ જેલ સંકુલની મુલાકાતને ખૂબ જ સારી રીતે માણી હતી. ગુનેગારોની જેમ તેમણે પણ ફિંગરપ્રિન્ટ્સ આપ્યા હતા અને તેમનો ફોટો પણ લેવાયો હતો. એટલું જ નહીં, 104 વર્ષના લોરેટાને હાથકડી પહેરાવીને સેલમાં બંધ કરી દેવાયાં હતાં. તેમણે આ મુલાકાત દરમિયાન જેલની મોનિટરિંગ સિસ્ટમનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યાંની પ્રક્રિયાઓને સમજી હતી. આ પ્રસંગે જેલમાં જ કેક કટિંગ સેરેમની અને કોફી પાર્ટી યોજાઇ હતી. લોરેટા સહિતના જેલ સ્ટાફે મજા માણી હતી.