મુંબઈઃ કેનેડામાં એક સડકને ભારતીય સંગીતકાર એ.આર. રહેમાનનું નામ અપાયું છે. ખુદ રહેમાને આ વિગત સોશિયલ મીડિયા પર શેર કરી છે. રહેમાને જણાવ્યું હતું કે, મારા જીવનમાં મને વિદેશની ધરતી પર આટલું સન્માન મળશે તેનો મેં કદી કલ્પનામાં પણ વિચાર કર્યો નહોતો. કેનેડાના લોકોનો હું બહુ આભારી છું.
રહેમાને વધુમાં જણાવ્યું હતું કે મારાં નામનો મતલબ દયાવાન થાય છે. દયાળુ થવું એ ભગવાનનો ગુણ છે, અને આપણે બધા જ જાણીએ છીએ કે, આપણે તેમના અનુયાયી છીએ. તેથી હું આશા રાખું છું કે, આ નામ કેનેડાના લોકો માટે શાંતિ, સમૃદ્ધિ, ખુશી અને સારું સ્વાસ્થ્ય લઇને આવશે. ઇશ્વર તમારા બધાની રક્ષા કરે.
રહેમાને આગળ લખ્યું છે કે, હું ભારતમાંના પણ મારા દરેક ભાઇ અને બહેનોએ મારા પર જે પ્રેમ વરસાવ્યો છે તેમનો આભાર માનું છું. મારી સાથે કામ કરનારાઓ જેઓ સર્જનાત્મક લોકો છે, જેમણે મને આગળ વધવા માટે પ્રેરણા આપી છે તે સહુનો પણ આભાર. આપણે લેજન્ડસ સાથે સિનેમાના 100 વરસોની ઊજવણી કરી, હું તો આ મહાસાગરમાં તો એક નાનકડું ટીપું છું.
તેમણે એમ પણ લખ્યું છે કે, વધુ કામ કરવાથી મારી જવાબદારીઓ વધી ગઇ છે. મારે થાકવાનું નથી, તેમજ પ્રેરિત પણ થવાનું છે. હું થાકી ન જાઉં એ માટે મારે યાદ રાખવું પડશે મારે હજી ઘણું કરવાનું છે, વધુ લોકો સાથે જોડાઇ રહેવાનું છે અને વધુ કાર્યો પાર પાડવાના છે.