વોશિંગ્ટનઃ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં અમેરિકી ઇતિહાસના આ સૌથી લાંબા શટડાઉનને ૩૦ દિવસ થઈ ચૂક્યા છે. મેક્સિકોની સીમા પર દીવાલ બનાવવા માટે અમેરિકી સંસદ (કોંગ્રેસ) પાસેથી ફંડ ન મેળવી શક્યા બાદ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શટડાઉન એટલે કે સરકારી કામબંધી જાહેર કરી હતી. ટ્રમ્પ ગેરકાયદેસર વસાહતી લોકોને અમેરિકામાં આવતા અટકાવવા માટે મેક્સિકો સરહદે દીવાલ બાંધવા માગે છે, પરંતુ તેને માટે સંસદ ફંડ આપતી નથી તેથી આ કોકડું વધારે ગૂંચવાયું છે. અમેરિકામાં સરકારી કામગીરીમાં શટડાઉન નવાઈની વાત નથી પણ આ વખતનું શટડાઉન ઐતિહાસિક બની ગયું છે.
યક્ષપ્રશ્ન સમાનઃ સૈન્ય પગાર વિના ફરજ પર!
પોતાના સોશિયલ મીડિયા પેજ પર પ્રકાશિત જાહેર પત્રમાં એડમિરલ કાર્લ શુલ્ત્ઝે કહ્યું કે, દેશના ઇતિહાસમાં પહેલી વખત અમેરિકાના સશસ્ત્ર દળોના જવાનોને શટડાઉનને પગલે પગાર ચૂકવાયો નથી. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી હેઠળ આવતી એક માત્ર સૈન્ય સેવા કોસ્ટ ગાર્ડના પગારને પણ ૨૨મી ડિસેમ્બરથી શરૂ થયેલા શટડાઉનથી અસર થઈ છે. કોસ્ટ ગાર્ડને વર્ષ માટે છેલ્લો ચેક આપવા માટે સક્ષમ છે, પરંતુ તે નવું સમાધાન થાય ત્યાં સુધી વધુ પગાર વહેંચી શકે એમ નથી. સક્રિય ફરજ બજાવનારા, અનામત અને નાગરિક સભ્યો, બધુ મળીને ૫૫,૦૦૦ કોસ્ટ ગાર્ડ પગાર વિના રહ્યા છે. સક્રિય ફરજ બજાવતા ૪૨,૦૦૦ સૈન્ય સભ્યનો પણ સમાવેશ થાય છે. કોસ્ટ ગાર્ડ સિવિલિયન તો શટડાઉન શરૂ થયું ત્યારથી પગાર વિના ફરજ બજાવી રહ્યા છે.