નવી દિલ્હી: ભારતીય ઉદ્યોગસાહિસક, ઈન્ડિયા એક્શન પ્રોજેક્ટ અને ‘ચાઈપાની’ના સ્થાપક શ્રુતિ ચતુર્વેદીને અમેરિકાના અલાસ્કા ખાતે એન્કરેજ એરપોર્ટ પર કડવો અનુભવ થયો હતો. પોતાની હેન્ડબેગમાં રહેલી પાવરબેન્ક એરપોર્ટ ઓથોરિટીને શંકાસ્પદ લાગતા તેને આઠ કલાક અટકાયતમાં રખાયા હતાં. આ અનુભવને પોતાના જીવનનો સૌથી ખરાબ ગણાવતા શ્રુતિએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેની પુરુષ અધિકારી દ્વારા કેમેરા સામે શારીરિક તપાસ કરાઇ હતી, તેને ગરમ કપડાં ઉતારવાની ફરજ પાડવામાં આવી, રેસ્ટરૂમના ઉપયોગની મનાઈ કરાઇ અને ઠંડા રૂમમાં ગોંધી રાખવામાં આવી હતી.
શ્રુતિએ પોતાનો અનુભવ સોશિયલ મીડિયા પર વર્ણવતા લખ્યું કે વારંવાર વિનંતી છતાં તેને કોઈનો પણ સંપર્ક કરવાની મંજૂરી નહોતી અપાઈ તેમજ તેનો ફોન અને વોલેટ પણ આંચકી લેવાયા હતા. સ્થાનિક પોલીસ અને એફબીઆઈ દ્વારા લાંબી પૂછપરછને કારણે આખરે તે ફ્લાઈટ પણ ચૂકી ગઈ હતી.
ભારતના વિદેશ મંત્રાલયને ટેગ કરતી શ્રુતિની પોસ્ટમાં ભારે હતાશા વ્યક્ત કરાઈ હતી અને વંશીય અથવા ભેદભાવપૂર્ણ વર્તનનો સંકેત આપતા લખ્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે આવું શા માટે કરાયું.
ચતુર્વેદીના અનુભવમાં પ્રમુખ ટ્રમ્પના પ્રશાસન દરમ્યાન લાગુ કરાયેલી નીતિઓ હેઠળ અમેરિકી એરપોર્ટ પર સખત ચકાસણી અને ઈમિગ્રેશન પ્રક્રિયા ફરતે વધતી ચિંતા પ્રતિબિંબિત થાય છે.
ખાસ કરીને ભારત જેવા દેશોના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ લાંબા સમયની અટકાયત અને ઘૂસણખોરીની તપાસનો ભોગ બનવાના કિસ્સા વધ્યા હોવાનું નોંધાયું છે.