વોશિંગ્ટનઃ અમેરિકાની ખાનગી એરલાઈન ગ્લોબલ ક્રોસિંગ એરલાઇન્સ ગ્રૂપે 200 ઈલેક્ટ્રિક એર મોબિલિટી વ્હિકલ્સનો ઓર્ડર આપ્યો છે. કંપનીનું માનવું છે કે આગામી વર્ષોમાં લોકો અત્યંત ગીચ શહેરોમાં પ્રવાસ કરવાના બદલે એર ટેક્સીમાં ઉડીને એરપોર્ટ પર પહોંચવાનું પસંદ કરશે અને તેના માટે તેઓ 100થી 150 ડોલર ચૂકવવા પણ તૈયાર હશે.
આ એર ટેક્સી હેલિકોપ્ટરની જેમ ટેક ઓફ કરી શકે છે અને લેન્ડ કરી શકે છે. આ કરારમાં 200 એર ટેક્સી ખરીદ્યા પછી બીજી 200 એર ટેક્સી ખરીદવાનો પણ વિકલ્પ છે. કંપનીને 2026માં એર ટેક્સીનો પ્રથમ લોટ મળી જશે. અલબત્ત, ફેડરલ એવિએશન ઓથોરિટીઝ પાસેથી પેસેન્જરોને લઈને ઈલેકટ્રિક એર વ્હિકલ ઉડાડવા માટે હજી સુધી મંજૂરી મળી નથી. આ એર ટેક્સી રાઈડ મહદ અંશે હેલિકોપ્ટર જેવી જ હશે. કદાચ કોઈને થોડી ડરામણી લાગે પણ તેનાથી આપણી કામ કરવાની અને જીવવાની પદ્ધતિ બદલાઈ શકે.
ઝીરો એમિશનના ધ્યેયમાં આ ઈલેકટ્રિક એર ટેક્સી મહત્ત્વની ભૂમિકા ભજવશે. પરંપરાગત કમ્બસ્ટન એન્જિનથી વિપરિત ઇવટોલ (ઈલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ એન્ડ લેન્ડિંગ) વ્હિકલ હશે. આ એરક્રાફ્ટ ઈલેકટ્રિક મોટર્સનો ઉપયોગ કરશે, જે કાર્બન ફ્રી હશે. અમેરિકન કંપનીનું ફ્લાઈંગ એર ટેક્સીમાં આ બીજું રોકાણ છે. આ પહેલા તેણે ઓગષ્ટમાં 100 ઈલેક્ટ્રિક એર ટેક્સી માટે દસ કરોડ ડોલર જમા કરાવ્યા છે. કંપનીના સીઈઓનો દાવો છે કે આ રોકાણ ઉડ્ડયન ક્ષેત્રને નવા યુગમાં લઈ જશે. આ ઈવ એરક્રાફ્ટ 40થી 60 માઈલ્સ એટલે કે 100 કિમીને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરાયા છે. ભવિષ્યમાં તે વધુ મોટા હોઈ શકે છે, પરંતુ તે પ્લેનનું તો સ્થાન નહીં જ લઈ શકે એમ તેમણે કહ્યું હતું.